કુંભમેળામાં પવિત્ર સ્નાન કરતી વખતે વિડિયો અને ફોટો-શૂટ કરાવતી હોવાને કારણે ટ્રોલ થઈ
તનીશા મુખરજી
કાજોલની બહેન તનીશા મુખરજી તાજેતરમાં મહાકુંભ મેળામાં પહોંચી હતી. તનીશાનો મહાકુંભ ખાતે સંગમમાં ડૂબકી લગાવતો વિડિયો વાઇરલ થઈ રહ્યો છે. આ વિડિયો જોઈને ઘણા શ્રદ્ધાળુઓએ તનીશાની આકરી ટીકા કરી છે, કારણ કે તનીશા ડૂબકી મારતી વખતે વિડિયો અને ફોટો-શૂટ કરાવતી હતી. તેણે પોઝ આપવાની સાથોસાથ ડૂબકીના રીટેક લેવાનું પણ કહ્યું હતું જેને કારણે લાગતું હતું કે તનીશા સંગમ ખાતે પવિત્ર સ્નાન કરવા માટે નહીં પણ કોઈ ફિલ્મના શૂટિંગ માટે ડૂબકી લગાવવા આવી હોય.
તનીશાએ પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં જે વિડિયો પોસ્ટ કર્યો છે એમાં તે ભગવા રંગની સાડી પહેરીને મહાકુંભના મેળામાં જોવા મળી રહી છે અને એવું લાગે છે જાણે તેને કોઈ શૂટ કરી રહ્યું છે. તે એક વખત ડૂબકી લગાવે છે અને કહે છે કે ચાલો ફરી એક વખત ટ્રાય કરીએ. આમ ફિલ્મની જેમ જ સંગમમાં ડૂબકીના રીટેક લેવાય છે. એ પછી તે પાણીમાં પોઝ આપીને શૂટ કરાવે છે. એ વખતે શૂટ કરતી વ્યક્તિને તે એમ પણ કહે છે કે હવે આનાથી આગળ નહીં જઈ શકું, આગળ પાણી ઊંડું છે.
ADVERTISEMENT
તનીશાની કરીઅરની વાત કરીએ તો તેણે ફિલ્મ ‘નીલ ઍન્ડ નિકી’માં કામ કરીને બૉલીવુડમાં એન્ટ્રી લીધી હતી, પણ હવે તે હિન્દી ફિલ્મોમાં કામ નથી કરી રહી. તનીશા બૉલીવુડમાં ખાસ ઓળખ બનાવી શકી નથી અને હવે તે મરાઠી સિનેમામાં નસીબ અજમાવવાની છે. તે ફિલ્મ ‘વીર મુરારબાજી’ સાથે મરાઠી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાની શરૂઆત કરી રહી છે.

