જરૂરી નથી કે દરેક વખતે તમે ફિલ્મની ચર્ચા કરો અને એટલે જ આજે એકસાથે ત્રણ અલગ-અલગ ટૉપિક પર વાત કરી છે
એનિમલમાં રણબીર કપૂર
‘મિડ-ડે’માં એક નૉવેલ આવતી હતી, ‘૧૯૭૧-રનવે.’ સન્ડેમાં જ એ નૉવેલ પબ્લિશ થતી. જો મારી ભૂલ ન થતી હોય તો હજી બે વીક પહેલાં જ એ પૂરી થઈ. એ નૉવેલ જે ઘટનાને ધ્યાનમાં રાખીને તૈયાર થઈ હતી એ ઘટનાને ગઈ કાલે બાવન વર્ષ પૂરાં થયાં. હા, ગઈ કાલે એટલે કે ૧૬ ડિસેમ્બરે ભારતની પાકિસ્તાન સામે જીત થઈ હતી અને પાકિસ્તાનનો એક ભાગ છૂટો પડીને અલગ દેશ, બંગલાદેશ તરીકે ઓળખાવો શરૂ થયો. હિસ્ટરી વાંચવી, જોવી અને સાંભળવી હંમેશાં ગમી છે એટલે આ ઘટના વિશે બહુ જાણકારી મેળવી છે.
આજથી બાવન વર્ષ પહેલાં ગઈ કાલના દિવસે સાંજના સમયે પાકિસ્તાનની સેનાએ ભારત પાસે શરણાગતિ સ્વીકારી અને હાર કબૂલી લીધી હતી. પાકિસ્તાનને ભારતે ઑફિશ્યલ હરાવ્યું હોય એવો આ કદાચ એકમાત્ર ઇન્સિડન્ટ છે એવું કહીએ તો જરાય ખોટું નહીં કહેવાય. ભારતે પાકિસ્તાનને હરાવ્યું, એટલું જ નહીં, પાકિસ્તાનના એણે બે ટુકડા કરી નાખ્યા અને આ આખી વાતમાં સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત જો કોઈ હોય તો એ કે આ વૉરમાં આપણા કચ્છની મહિલાઓ જોડાયેલી હતી. આજની વાતની શરૂઆત આ ઘટનાથી કરવી હતી એટલે એનાથી સ્ટાર્ટ લીધો. હવે આવી જઈએ બીજી વાત પર.
આ વાતને ફિલ્મો સાથે કે ફિલ્મ-ઇન્ડસ્ટ્રી સાથે કોઈ સીધો સંબંધ નથી, પણ ગુજરાતના બદલાતા વાતાવરણની વાત એમાં છે. હમણાં એક વીક પહેલાં ગુજરાતના હોમ મિનિસ્ટર હર્ષ સંઘવી રિક્ષામાં બેસીને બધે ફર્યા, એટલું જ નહીં, રિક્ષામાં બેસીને અમદાવાદ ફર્યા પછી હર્ષભાઈ એસટી ડિપાર્ટમેન્ટની બસમાં બેસીને ટ્રાવેલ પણ કરી આવ્યા અને વળતાં તેઓ ટ્રેનમાં બેસીને ફરી અમદાવાદ આવ્યા. આવું તમને જવલ્લે જ જોવા મળે. કારણ કે આપણે ત્યાં મિનિસ્ટર કૉમનમૅન સાથે જોડાતા નથી અને જોડાય છે તો એમાં ઇમોશન્સનો અભાવ હોય છે. હર્ષભાઈને હું ઘણી વાર મળ્યો છું એટલે મને ખબર છે કે તેઓ કેવી વ્યક્તિ છે. તમે તેમની સાથે ઊભા હો, તેમની સાથે વાત કરતા હો અને એ પછી પણ તેમનું ધ્યાન આજુબાજુ સૌ લોકો પર હોય અને તેમને મળવા આવ્યા હોય એવા લોકોને તેઓ પ્રાધાન્ય પણ આપતા હોય. હર્ષભાઈનાં આ જે ઇમોશન્સ છે એ ઇમોશન્સ તેમને લોકો સાથે કનેક્ટ રાખે છે. તમને એક કિસ્સો કહું, જે મેં મારી સગી આંખે જોયું છે.
ADVERTISEMENT
હર્ષ સંઘવી એક વખત બહાર કોઈક સાથે ઊભા હતા. સિવિલ હૉસ્પિટલ ત્યાંથી સાવ પાસે હતી એટલે લોકો હૉસ્પિટલમાંથી બહાર આવ-જા કરતા હોય. એક મોટી ઉંમરના કાકા હૉસ્પિટલમાંથી બહાર નીકળ્યા તો હર્ષભાઈ તરત તેમની પાસે ગયા અને તેમની પાસે જઈને બધેબધી વાતો કરી. હૉસ્પિટલમાં સ્ટાફનું બિહેવિયર કેવું હતું એ પણ જાણ્યું અને મેડિસિનથી લઈને ટ્રીટમેન્ટ માટે તેમણે ધક્કા ખાવા પડે છે કે નહીં એ પણ જાણ્યું. આવું ક્યાં તમને જોવા મળે અને એ પણ મિનિસ્ટર સ્તરની વ્યક્તિ કરે એવું?
હર્ષભાઈની એ ઘટના પછી હમણાં પેલી રિક્ષા, ટ્રેન અને બસમાં ટ્રાવેલ કરવાની વાતની ખબર પડી એટલે મને થયું કે ભલે તેમને ફિલ્મ-ઇન્ડસ્ટ્રી સાથે નિસબત ન હોય તો પણ મારે એ વાત બધાની સાથે શૅર તો કરવી જ જોઈએ.
હવે કરવી છે ત્રીજા નંબરની વાત.
‘ઍનિમલ’ ફિલ્મ પછી એવું બહુ સંભળાય છે કે આ આલ્ફા-મેલની ફિલ્મ છે, પણ હું એવું નથી માનતો. આલ્ફા-મેલ અને બિટા-મેલ જેવા શબ્દો લાવીને આપણે ફરી એક વાર એવું કામ કરીએ છીએ જેમાંથી સોસાયટી મહામુશ્કેલીથી બહાર આવી છે. ફિલ્મની રીતે તમે ફિલ્મ જુઓ તો એમાં કશું ખોટું નથી, પણ તમે જો સોસાયટીને એમાં કનેક્ટ કરી દો અને પછી પુરુષોમાં વિભાજન પાડવાનું શરૂ કરી દો તો એની ખરાબ અસર સોસાયટી પર દેખાશે અને વાયલન્ટ કહેવાય એવા સ્વભાવના લોકો વધારવાનું કામ થશે.
સોસાયટીને એક એવો મેમ્બર જોઈએ છે જે જરૂર પડે ત્યારે વાયલન્સી લાવે, પણ એ વાયલન્સીમાં ક્યાંય બીજાને હર્ટ કરવાની વાત નથી. પોતાની ફૅમિલી માટે લડવાનું જ હોય, પણ એનો અર્થ એવો નથી કે તમે એ લડાઈ લડતી વખતે બધેબધું ભૂલી જાઓ અને માત્ર તમારી જાતને સેન્ટરમાં રાખીને ચાલો. ગેરવાજબી કહેવાય એવી એ મેન્ટાલિટી છે અને આ જે મેન્ટાલિટી છે એની વાત મેં અગાઉ રિલીઝ થયેલી ફિલ્મ ‘કબીરસિંહ’ વખતે પણ કરી હતી.
