મકરસંક્રાન્તિના અવસરે સુતાપા સિકદરને યાદ આવી પતંગપ્રેમી પતિની...
મકરસંક્રાન્તિના અવસરે સુતાપા સિકદરને યાદ આવી પતંગપ્રેમી પતિની
દિવંગત ઍક્ટર ઇરફાનની પત્ની સુતાપા સિકદર પોતાના પતિની યાદગીરીને સોશ્યલ મીડિયા પર વ્યક્ત કરતી રહે છે. ઇરફાનનું નિધન ૨૦૨૦ની ૨૯ એપ્રિલે ૫૩ વર્ષની વયે થયું હતું. હાલમાં મકરસંક્રાન્તિના પવિત્ર અવસરે પણ તેણે ઇરફાનને ખૂબ જ ઇમોશનલ રીતે યાદ કર્યા હતા. ઇરફાનને પતંગ ઉડાવવાનો ખૂબ શોખ હતો અને આ તહેવાર તેને ખૂબ પ્રિય હતો. એક વખત તો પતંગના માંજાને કારણે તેની આંગળી કપાઈ ગઈ હતી, જેને કારણે તેને વઢ પણ પડી હતી. આ તમામ યાદોને તાજી કરીને સુતાપા સિકદરે પતિ ઇરફાનની એક તસવીર શૅર કરી છે અને સાથે ઇમોશનલ પોસ્ટ પણ લખી છે.
સુતાપાએ પોતાની પોસ્ટમાં લખ્યું છે, ‘એક એવો તહેવાર જે તને ખૂબ ગમતો હતો. એ તહેવાર જેમાં મેં તારો જીતવાનો જુસ્સો જોઈ લીધો હતો. તારા પ્રોફેશનમાં કોઈને હરાવતી વખતે મેં ક્યારેય તને આવાં એક્સપ્રેશન આપતા જોયો નહોતો. મેં તારું એકદમ અલગ સ્વરૂપ જોયું. તું મને પતંગ ઉડાવતાં શીખવાડતો હતો, પણ હું ક્યારેય તારા જુસ્સાની બરાબરી કરી શકી નહીં. હું તો લાડુ, ગજક, મગફળી જેવી બધી વસ્તુઓ ખાતી રહેતી હતી.’
આ પોસ્ટમાં ઇરફાનના પતંગ પ્રત્યેના પ્રેમ વિશે વાત કરતાં સુતાપા કહે છે, ‘જયપુરની છત તને યાદ કરે છે ઇરફાન. દરેક ફીરકીમાં લપેટાયેલો દોરો તને યાદ કરે છે. દીવાલ પર રાખેલી ચા પણ તને યાદ કરે છે. હું સતત છતથી ગ્રાઉન્ડ ફ્લોર સુધી સીડીઓ ચડતી-ઊતરતી, હાંફતી અને વસ્તુઓ ગોઠવતી રહેતી હતી. આજે પવન ફૂંકાયો, ઘણી પતંગો નીચે પડી, ઘણી ઉપર ઊડી. આકાશ તારા પ્રેમનો ઉત્સવ મનાવી રહ્યું છે, તને યાદ કરી રહ્યું છે. ઇરફાન, મેં આજે તારા માટે એક પતંગ મોકલી છે... આશા છે તું જોઈશ. હું તને હંમેશાં પ્રેમ કરતી રહીશ.’


