શ્રી ઘાટકોપર બ્રાહ્મણ સમાજના ૮૫ વર્ષના અગ્રણી શશિકાંત રાવલ વોટિંગ કરીને ઘરે પાછા આવી રહ્યા હતા ત્યારે સોસાયટીના પરિસરમાં હાર્ટફેલથી જીવ જતો રહ્યો
શશિકાંત રાવલ (સોમપુરા)
ઘાટકોપર-ઈસ્ટની પૉપ્યુલર હોટેલની ગલીમાં રહેતા ૮૫ વર્ષના શશિકાંત રાવલ (સોમપુરા) ગઈ કાલે બપોરે ૧૨.૩૦ વાગ્યે તેમનાં પત્ની મનોરમાબહેન સાથે મતદાનની ફરજ નિભાવીને ઘરે પાછા ફરતા હતા ત્યારે અચાનક તેમની સોસાયટીના પરિસરમાં જ હાર્ટફેલ થતાં તેમનું મૃત્યુ થયું હતું. શશિકાંત સોમપુરાના અવસાનથી ઘાટકોપર બ્રાહ્મણ સમાજ શોકગ્રસ્ત બની ગયો હતો.
શ્રી ઘાટકોપર બ્રાહ્મણ સમાજના પ્રમુખ જ્યોતીન્દ્ર દવેએ આ બાબતની માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મૂળ વઢવાણના શશિકાંત રાવલ અમારા સમાજના ભૂતપૂર્વ પ્રમુખ, મૅનેજિંગ ટ્રસ્ટી અને સમાજની નવનિર્માણ ઇમારતના ઘડવૈયા હતા. તેઓ ઘણા સમયથી બીમાર હોવાથી તેમણે કન્સ્ટ્રક્શન-ક્ષેત્રમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી. અમુક જરૂરી કામ સિવાય તેઓ ઘરની બહાર ઓછા નીકળતા હતા. જોકે ગઈ કાલે બપોરે ૧૨ વાગ્યાની આસપાસ તેઓ નાદુરસ્ત તબિયત હોવા છતાં તેમનાં પત્ની સાથે તેમની સોસાયટીથી પાંચ જ મિનિટના અંતરે આવેલા પોલિંગ-બૂથમાં મતદાન કરવા ગયા હતા. એ સમયે હેલ્થની તેમની કોઈ જ ફરિયાદ નહોતી. જોકે મતદાન કરીને તેઓ પાછા આવી રહ્યા હતા ત્યારે તેમની સોસાયટી શિવશક્તિ હાઇટ્સના પરિસરમાં છાતીના દુખાવાની ફરિયાદ કરીને ઢળી પડ્યા હતા. તરત જ તેમના બે પુત્રો તેમને નજીકની પ્રાઇવેટ હૉસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા, પણ ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. તેમના અંતિમ સંસ્કાર ઘાટકોપરની હિન્દુ સ્મશાનભૂમિમાં કરવામાં આવ્યા હતા. તેમના અવસાનથી ફક્ત તેમના પરિવારને જ નહીં, ઘાટકોપર બ્રાહ્મણ સમાજને પણ બહુ મોટી ખોટ પડી છે.’


