સુશાંત સિંહ રાજપૂતની પાંચમી પુણ્યતિથિએ બહેને શૅર કર્યો ઇમોશનલ સંદેશ
સુશાંત સિંહ રાજપૂત, શ્વેતા સિંહ કીર્તિ
સુશાંત સિંહ રાજપૂતની ૧૪ જૂને પાંચમી પુણ્યતિથિ હતી અને તેના નિધનને પાંચ વર્ષ થઈ ગયાં છે. આટલા સમય પછી પણ સુશાંતનો પરિવાર હજી સત્ય જાણવાની રાહ જોઈ રહ્યો છે. આ દિવસે બહેન શ્વેતા સિંહ કીર્તિ પણ સુશાંતને યાદ કરીને ભાવુક થઈ ગઈ હતી. શ્વેતાએ ભાઈની પાંચમી પુણ્યતિથિએ એક ભાવનાત્મક વિડિયો શૅર કર્યો હતો અને ફૅન્સને વિનંતી કરી કે ‘તમે સુશાંતને તેના દયાળુ સ્વભાવ, નમ્રતા અને સકારાત્મકતા માટે યાદ કરજો. સુશાંતનો આત્મા સારાં કામ અને પ્રેમ વડે જીવંત છે.’
શ્વેતા સિંહ કીર્તિએ પોતાના સોશ્યલ મીડિયા-અકાઉન્ટમાં એક વિડિયો શૅર કરીને લખ્યું હતું કે ‘આજે ભાઈની પાંચમી પુણ્યતિથિ છે. ૨૦૨૦ની ૧૪ જૂને તેના મૃત્યુ પછી ઘણું બધું થયું છે. હવે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા કોર્ટને એક રિપોર્ટ સોંપવામાં આવ્યો છે અને અમે એને પાછો મેળવવાની પ્રક્રિયામાં છીએ. હું આજે પણ કહેવા માગું છું કે ગમે તે થાય, હિંમત ન હારો અને ભગવાન કે સારપ પરથી વિશ્વાસ ન ગુમાવો. હંમેશાં યાદ રાખો કે આપણો સુશાંત કઈ બાબત માટે ઊભો હતો. તે પવિત્રતા તેમ જ જીવન જીવવામાં અને બધા સાથે સમાન વ્યવહાર કરવામાં વિશ્વાસ ધરાવતો હતો. ભાઈ ક્યાંય ગયો નથી, મારો વિશ્વાસ કરો. તે તમારામાં છે, મારામાં છે અને આપણા બધામાં છે. ભાઈના નામનો ઉપયોગ ક્યારેય નકારાત્મક લાગણીઓ ફેલાવવા માટે ન કરો. તેને એ ગમશે નહીં. જુઓ, તેણે કેટલા લોકોનાં હૃદય અને મનને સ્પર્શ કરીને એને પ્રભાવિત કર્યાં હતાં. તેના આ વારસને આગળ વધારો. તમે એક બળતી મીણબત્તી બનો જે તેના વારસાને ચાલુ રાખવા માટે અન્ય મીણબત્તીઓને પ્રગટાવે. કોઈ પણ મહાન વ્યક્તિનો વારસો હંમેશાં તેના ગયા પછી વધે છે. તમે જાણો છો શા માટે? કારણ કે તેનું આકર્ષક વ્યક્તિત્વનું આકર્ષણ આવનારી પેઢીઓના મનને પ્રભાવિત કરશે.’
ADVERTISEMENT
સુશાંત સિંહ રાજપૂત ૨૦૨૦ની ૧૪ જૂને બાંદરાના તેના ફ્લેટમાં મૃત્યુ પામેલો મળ્યો હતો. તેનું મૃત્યુ રહસ્યમય રીતે થયું હતું. આ મૃત્યુના મામલે આત્મહત્યાથી લઈને ડ્રગ્સ અને હત્યા સુધીની ઘણી થિયરીઓ સામે આવી હતી, પરંતુ CBIએ સુશાંતના મૃત્યુનાં ચાર વર્ષ પછી ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો અને કહ્યું કે તેને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરવાના કોઈ પુરાવા મળ્યા નથી.

