આ બન્ને વચ્ચે ૧૯૯૩માં રિલીઝ થયેલી ડરના શૂટિંગ વખતે અણબનાવ થયો હતો અને પછી બન્નેએ લગભગ ૧૬ વર્ષ સુધી એકબીજા સાથે વાત નહોતી કરી.
સની દેઓલ અને શાહરૂખ ખાન
સની દેઓલની આગામી ફિલ્મ ‘જાટ’ ૧૧ એપ્રિલે રિલીઝ થવાની છે. આ ફિલ્મના પ્રમોશન વખતે એક ઇન્ટરવ્યુમાં સનીએ એક ચોંકાવનારી ઇચ્છા વ્યક્ત કરી છે. ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત સનીએ હાલમાં શાહરુખ ખાન સાથે કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. મહત્ત્વની વાત તો એ છે કે આ બન્ને વચ્ચે ૧૯૯૩માં રિલીઝ થયેલી ‘ડર’ના શૂટિંગ વખતે અણબનાવ થયો હતો અને પછી બન્નેએ લગભગ ૧૬ વર્ષ સુધી એકબીજા સાથે વાત નહોતી કરી અને હવે તે શાહરુખ સાથે કામ કરવા ઇચ્છે છે.
હાલમાં એક ઇન્ટરવ્યુમાં જ્યારે સનીને પૂછવામાં આવ્યું હતું કે બે હીરોવાળી ફિલ્મમાં તે કયા અભિનેતા સાથે સ્ક્રીન-સ્પેસ શૅર કરવા ઇચ્છશે? આ સવાલનો જવાબ આપતાં સની દેઓલે ખચકાટ વગર કહ્યું કે ‘હું નક્કી નહીં કરું કે હું આ કોની સાથે કરીશ. જોકે મને શાહરુખ સાથે કામ કરવાનું ગમશે. અમે પહેલાં જ્યારે સાથે કામ કર્યું હતું ત્યારે અલગ સમય હતો અને હવે અલગ સમય છે.’

