ઠગ સુકેશ ચંદ્રશેખરે જેલમાંથી જૅકલિનને કાગળ લખીને કહ્યું કે તેણે બાલીમાં લિલી અને ટ્યુલિપથી ભરેલો એક બગીચો મમ્મી કિમને સમર્પિત કર્યો છે
સુકેશ ચંદ્રશેખર, જૅકલિન ફર્નાન્ડિસ
લાંબા સમયથી તિહારની જેલમાં બંધ ઠગ સુકેશ ચંદ્રશેખર ઘણી વાર જૅકલિન ફર્નાન્ડિસને પોતાની પ્રેમિકા ગણાવીને તેને જેલમાંથી પત્ર લખે છે. તાજેતરમાં ૬ એપ્રિલે જૅકલિનની મમ્મીનું અવસાન થતાં સુકેશે ફરી એક વાર જૅકલિનને ભાવપૂર્ણ પત્ર લખ્યો છે. સુકેશે બાલીમાં લિલી અને ટ્યુલિપથી ભરેલો એક બગીચો જૅકલિનની મમ્મી કિમને સમર્પિત કર્યો છે અને તેને આ રીતે શ્રદ્ધાંજલિ આપી છે. સુકેશે આ પત્રમાં જૅકલિનને લખ્યું છે કે તારી મમ્મી આપણી દીકરી તરીકે જન્મ લેશે.
જૅકલિનને આ પત્રમાં સુકેશે લખ્યું છે, ‘મેં બાલીમાં જમીનનો એક મોટો ભાગ ખરીદી લીધો છે. હવે એ સંપૂર્ણ રીતે પ્રાઇવેટ ગાર્ડન છે જેની માલિકી તારી છે. આ ગાર્ડનનું નામ કિમ ગાર્ડન છે. આ રીતે હું ઈસ્ટર ગિફ્ટ તરીકે મમ્મીની યાદમાં બનાવેલું ગાર્ડન આપવા માગું છું. હું તને સાંત્વન આપું છું અને અહેસાસ કરાવવા માગું છું કે આ ખરાબ સમયમાં હું તારી સાથે છું. તારી આસપાસના લોકો તારી સાથે હોવાનો અહેસાસ કરાવશે પણ એેની પાછળ તેમનો અંગત સ્વાર્થ હશે. મને ખાતરી છે કે તું આ વાત જાણે છે. મને આશા છે કે દિવંગત મમ્મીએ તેમના જીવનકાળમાં મારા પ્રત્યે કોઈ નારાજગી નહીં દર્શાવી હોય. મને વિશ્વાસ છે કે તારી મમ્મી આપણી દીકરી તરીકે ફરીથી જન્મ લેશે. તું આ ખાસ ગાર્ડનની મુલાકાત લેજે. અહીં તને તારી મમ્મીની હાજરી અનુભવાશે. મમ્મી આપણી સાથે, આપણી અંદર અને આપણી આસપાસ છે. હું જાણું છું કે તું કઈ પીડામાંથી પસાર થઈ રહી છે, પણ હું તારા કરતાં વધારે દર્દ અનુભવી રહ્યો છું કારણ કે હું બહુ ઓછા સમયમાં તેમની બહુ નજીક આવી ગયો હતો. તેઓ બહુ જલદી ચાલ્યાં ગયાં. યાદ કર કે મમ્મી મને શું કહેતી હતી અને ૨૦૨૧માં મારા જન્મદિવસે મને કાગળમાં શું લખ્યું હતું. હું મમ્મીને કરેલા વાયદાનું પાલન કરીશ.’


