આ ફિલ્મ ૨૦૦૪ની હિટ ફિલ્મ ‘ઐતરાઝ’ની સીક્વલ છે
તાપસી પન્નુ
ફિલ્મમેકર સુભાષ ઘઈએ ‘ઐતરાઝ 2’ બનાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. આ ફિલ્મ ૨૦૦૪ની હિટ ફિલ્મ ‘ઐતરાઝ’ની સીક્વલ છે અને ‘ઓહ માય ગૉડ 2’ને ડિરેક્ટ કરનાર અમિત રાય આ ફિલ્મ ડિરેક્ટ કરવાના છે. મળતા સમાચાર પ્રમાણે આ સીક્વલના લીડ રોલ માટે તાપસી પન્નુને ઑફર કરવામાં આવી છે, પણ તેણે હજી સુધી આ ફિલ્મ સાઇન નથી કરી. હાલમાં તો તાપસી ફિલ્મની સ્ક્રિપ્ટ વાંચી રહી છે અને તેને ફિલ્મની સ્ટોરીલાઇન ગમી રહી છે. ૨૦૦૪માં રિલીઝ થયેલી ‘ઐતરાઝ’માં પ્રિયંકા ચોપડાએ નેગેટિવ અને બોલ્ડ રોલ કરીને બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું.
મળેલા રિપોર્ટ પ્રમાણે હજી સુધી તાપસીએ આ ફિલ્મ કરવાની હા નથી પાડી અને મુક્તા આર્ટ્સ તરફથી પણ કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી. તાપસીએ તેની કરીઅરમાં ઘણાં મજબૂત અને સ્વતંત્ર મહિલા પાત્ર ભજવ્યાં છે અને જો તે આ ફિલ્મમાં કામ કરવાની હા પાડશે તો તેની કરીઅરમાં વધુ એક બોલ્ડ પાત્રનો ઉમેરો થશે.


