બૅન્ગલોરની પોલીસે ભારતીય દંડસંહિતા 506 અને 504ની કલમ હેઠળ કેસ નોંધ્યો છે અને દોષીઓને પકડવાની કાર્યવાહી તેજ કરી દીધી છે.
સુદીપ કિચ્ચા
સુદીપ કિચ્ચાને ગઈ કાલે ધમકીભર્યો પત્ર મળ્યો છે, એમાં તેના પ્રાઇવેટ વિડિયો લીક કરવામાં આવશે એવું લખવામાં આવ્યું છે. આ કેસની પોલીસે તપાસ હાથ ધરી છે. બૅન્ગલોરની પોલીસે ભારતીય દંડસંહિતા 506 અને 504ની કલમ હેઠળ કેસ નોંધ્યો છે અને દોષીઓને પકડવાની કાર્યવાહી તેજ કરી દીધી છે. સાથે જ આ કેસ ઉચ્ચ તપાસ અધિકારીઓને સોંપવામાં આવે એ વિશે પણ પોલીસ વિચારી રહી છે. પોલીસે જણાવ્યું છે કે બે લેટર મોકલવામાં આવ્યા છે. સુદીપના મૅનેજરને આ લેટર મળ્યા છે. એમાં અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવાની સાથે જ તેના પ્રાઇવેટ વિડિયોને સોશ્યલ મીડિયામાં રિલીઝ કરવાની ધમકી આપવામાં આવી છે. આ લેટર વિશે સુદીપે કહ્યું કે ‘આ કામ નક્કી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી જ કોઈએ કર્યું છે. હું જાણું છું કે તેમને કેવી રીતે જવાબ આપવાનો છે. આ મુદ્દાને કાયદાકીય ઢબે ઉકેલવામાં આવશે. આની પાછળ કોણ છે હું એ પણ જાણું છું, પરંતુ હું મૌન રહેવા માગું છું. આ ષડયંત્રનો ખુલાસો ટૂંક સમયમાં કરવામાં આવશે. હું એને છોડવાનો નથી. મેં કેટલાક નિર્ણયો લીધા છે અને હું એના પર કાયમ રહીશ. રાજકીય પાર્ટીમાં મારા કેટલાક ફ્રેન્ડ્સ છે. મારા એ ફ્રેન્ડ્સ માટે મેં નિર્ણય લીધો છે. એના દ્વારા અન્યોને પણ બોધપાઠ મળશે. આ ઘટનામાં કોઈ રાજકીય કનેક્શન નથી. આની પાછળ કોણ છે એ હું જાણું છું. તપાસ દ્વારા બધું બહાર આવવા દઈશ. હું કોઈનાથી ડરીશ નહીં. આ એક સત્ય છે.’


