સાથે જ તેણે લોકોને સંપ સાથે રહેવાની સલાહ આપી છે

સોનુ સૂદ
દેશમાં લાઉડસ્પીકર અને હનુમાન ચાલીસાને લઈને જે વિવાદનો મધપૂડો છંછેડાયો છે એને કારણે સોનુ સૂદને ખૂબ દુ:ખ થઈ રહ્યું છે. સાથે જ તેણે લોકોને સંપ સાથે રહેવાની સલાહ આપી છે. કોરોનાકાળમાં સોનુ તેની દરિયાદિલી અને મદદનીશ સ્વભાવને કારણે જાણીતો બની ગયો હતો. લોકો તેને મસીહા કહી રહ્યા છે. એવામાં હાલમાં જે વિવાદ ચાલી રહ્યો છે એ વિશે સોનુ સૂદે કહ્યું કે ‘હનુમાન ચાલીસા અને લાઉડસ્પીકરને લઈને જે વિવાદ ચાલી રહ્યો છે એને લઈને દુ:ખ થાય છે. લોકો એકબીજા પ્રત્યે જે ઝેર ઓકે છે એ પણ દિલ તોડી નાખે છે. છેલ્લાં અઢી વર્ષમાં આપણે સાથે મળીને કોરોના સામે જંગ લડ્યો હતો. એવામાં આપણે હજી પણ સાથે જ રહેવું જોઈએ. કોરોનાની પહેલી અને બીજી લહેરમાં જ્યારે લોકોને ઑક્સિજનની જરૂર પડી તો કોઈએ પણ ધર્મની ચિંતા ન કરી. સૌએ એકબીજાની મદદ કરી. રાજકીય દળોએ પણ કોઈના ધર્મ વિશે વિચાર્યા વગર સૌના વિશે વિચાર કર્યો હતો. કોરોનાને કારણે આપણે એક થયા હતા, તો પછી હવે શું થયું?’