કહ્યું કે આવી ગૉસિપ બિલકુલ યોગ્ય નથી, કારણ કે એમાં પરિવારો અને નજીકના લોકો સામેલ હોય છે
સોનાલી બેન્દ્રે, રાજ ઠાકરે
સોનાલી બેન્દ્રે ફિલ્મોની દુનિયામાં એક જાણીતું નામ રહ્યું છે. અભિનયની સાથે-સાથે તેણે પોતાની સુંદરતાથી પણ દર્શકોનાં દિલ જીત્યાં છે. સોનાલીની પર્સનલ લાઇફની વાત કરીએ તો તેનાં લગ્ન ફિલ્મમેકર ગોલ્ડી બહલ સાથે થયાં છે. એક તબક્કે સોનાલીનું નામ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરે સાથે જોડવામાં આવ્યું હતું. એ સમયે એવો દાવો કરવામાં આવ્યો હતો કે રાજ ઠાકરેને સોનાલી પર ક્રશ હતો. આ મામલે સોનાલી કે પછી રાજ ઠાકરેએ ક્યારેય જાહેરમાં સ્પષ્ટતા નથી કરી, પણ તાજેતરમાં સોનાલી બેન્દ્રેએ આવી અફવાઓ વિશે વાત કરી.
થોડા સમય પહેલાં સોનાલી બેન્દ્રે અને રાજ ઠાકરેનો એક જૂનો વિડિયો સામે આવ્યા બાદ તેમના કથિત લિન્ક-અપના સમાચાર વાઇરલ થયા હતા. જોકે હાલમાં એક ન્યુઝ-એજન્સી સાથે વાતચીત કરતી વખતે સોનાલી બેન્દ્રેએ રાજ ઠાકરે સાથેના લિન્ક-અપની ખબરોને સાફ નકારી કાઢી છે. વાઇરલ ક્લિપ બાદ એવી અટકળો શરૂ થઈ હતી કે વર્ષો પહેલાં રાજ ઠાકરેને કથિત રીતે સોનાલી પર ક્રશ હતો. આ વિશે વાત કરતાં સોનાલીએ કહ્યું કે ‘શું એવું હતું? મને આ વિશે શંકા છે. એ સમયે હું મારી બહેન સાથે વાત કરી રહી હતી, જે ત્યાં હાજર હતી.’
ADVERTISEMENT
સોનાલી બેન્દ્રેએ આ ઇન્ટરવ્યુમાં તેના વ્યક્તિગત જીવનને લગતા ગૉસિપની ટીકા કરતાં કહ્યું કે ‘મને ખબર નથી. મને લાગે છે કે જ્યારે લોકો આવી રીતે વાત કરે છે ત્યારે એ બિલકુલ સારું નથી લાગતું. મારો મતલબ છે કે એમાં પરિવારો અને નજીકના લોકો સામેલ હોય છે. બન્ને પરિવારો વચ્ચે દાયકાઓ જૂનો સંબંધ છે. મારા જીજાજી અને મારી બહેન સંકળાયેલાં છે. મારા જીજાજી સારું ક્રિકેટ રમે છે અને તે રાજના ફર્સ્ટ કઝિન સાથે ક્રિકેટ રમતા હતા. મારાં બહેનનાં સાસુ કૉલેજમાં તેમના વિભાગનાં વડાં હતાં. તેમણે અમને રુઇયા કૉલેજમાં અંગ્રેજી સાહિત્ય ભણાવ્યું હતું.
અમારા બન્ને પરિવારોમાં બધા એકબીજાને ઓળખતા હતા. રાજ ઠાકરેની પત્ની શર્મિલાની મમ્મી અને મારી માસી વચ્ચે બહુ જ સારી મિત્રતા હતી, જોકે હું કોઈને પણ એક મર્યાદાથી વધુ નથી ઓળખતી. હું હંમેશાં પ્રવાસ કરતી રહેતી હતી અને બે વર્ષમાં એક વાર ઉનાળાની રજાઓ કે આવા કોઈ પ્રસંગે મહારાષ્ટ્ર આવતી.’

