ડીલ ફાઇનલ કરતી વખતે ૬૦ લાખ રૂપિયાની સિક્યૉરિટી ડિપોઝિટ આપવામાં આવી છે તેમ જ સ્ટૅમ્પ-ડ્યુટીના ૨.૬૭ લાખ રૂપિયા અને રજિસ્ટ્રેશન માટે ૧૦૦૦ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે.
સોહેલ ખાન
સલમાન ખાનના ભાઈ સોહેલ ખાને હાલમાં બહુ સારી પ્રૉપર્ટી ડીલ કરી છે. સોહેલ બાંદરામાં રહે છે અને અહીં જ તેની એક કમર્શિયલ પ્રૉપર્ટી છે. હાલમાં સોહેલે આ શૉપ ભાડે આપવાનો કરાર કર્યો છે જેને કારણે તેને ૬૦ મહિનામાં ૧૦.૩ કરોડ રૂપિયા જેટલી કમાણી થશે. સોહેલે આ શૉપ આયરિશ હાઉસ ફૂડ ઍન્ડ બેવરેજિસ પ્રાઇવેટ લિમિટેડને ભાડે આપી છે. આ પ્રૉપર્ટીનું માસિક ભાડું ૧૬.૮૯ લાખ રૂપિયાથી શરૂ થાય છે. આ ડીલના ડૉક્યુમેન્ટ્સ ઇન્સ્પેક્ટર જનરલ ઑફ રજિસ્ટ્રેશન (IGR) પાસે જમા કરાવવામાં આવ્યા છે.
આ ડૉક્યુમેન્ટમાં આપેલી માહિતી પ્રમાણે સોહેલ ખાનની આ કમર્શિયલ પ્રૉપર્ટી ગેસ્પર એન્ક્લેવમાં આવેલી છે. આ શૉપ તેણે ૨૦૦૯ના એપ્રિલમાં ૩.૧૧ કરોડ રૂપિયામાં ખરીદી હતી. સોહેલ ખાનની આ પ્રૉપર્ટી માટેની ડીલ ફાઇનલ કરતી વખતે ૬૦ લાખ રૂપિયાની સિક્યૉરિટી ડિપોઝિટ આપવામાં આવી છે તેમ જ સ્ટૅમ્પ-ડ્યુટી તરીકે ૨.૬૭ લાખ રૂપિયા અને રજિસ્ટ્રેશનના ૧૦૦૦ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. ડૉક્યુમેન્ટ પ્રમાણે આ પ્રૉપર્ટી ૧૨૯૦.૫૭ ચોરસ ફુટ જેટલો બિલ્ટ-અપ એરિયા ધરાવે છે.
આ ઍગ્રીમેન્ટ પ્રમાણે આ શૉપનું ૩૬ મહિના માટે માસિક ભાડું ૧૬,૮૯,૦૦૦ રૂપિયા ચૂકવવામાં આવશે અને પછી બાકીના ૨૪ મહિના માટે આ ભાડું વધારીને ૧૭,૭૩,૪૫૦ રૂપિયા નક્કી થયું છે.


