સોહા અલી ખાને પોતાના મૉર્નિંગ રૂટીનમાં મોટો ફેરફાર કર્યો છે. તેણે કૉફી છોડીને એક ખાસ ડ્રિન્ક લેવાનું શરૂ કર્યું છે. સોહાએ જણાવ્યું હતું કે મેનોપૉઝ પહેલાંના પેરિમેનોપૉઝ તબક્કામાં શરીરમાં થઈ રહેલા હૉર્મોનલ બદલાવમાં આ ડ્રિન્ક પીવાથી શરીરને રાહત મળે છે.
પેરિમેનોપૉઝની સમસ્યામાં રાહત મેળવવા સોહા અલી ખાન નિયમિત પીએ છે ખાસ ડ્રિન્ક
સોહા અલી ખાને પોતાના મૉર્નિંગ રૂટીનમાં મોટો ફેરફાર કર્યો છે. તેણે કૉફી છોડીને એક ખાસ ડ્રિન્ક લેવાનું શરૂ કર્યું છે. સોહાએ જણાવ્યું હતું કે મેનોપૉઝ પહેલાંના પેરિમેનોપૉઝ તબક્કામાં શરીરમાં થઈ રહેલા હૉર્મોનલ બદલાવમાં આ ડ્રિન્ક પીવાથી શરીરને રાહત મળે છે. આ ડ્રિન્ક ગરમ પાણી, લીંબુ, આદું અને ચિયા સીડ્સમાંથી બનાવવામાં આવે છે. સોહાએ જણાવ્યું હતું કે આ પીણું શરીરને હાઇડ્રેટેડ રાખે છે, પાચનક્રિયા સુધારે છે અને કૅફીન વિના ધીમે-ધીમે એનર્જી આપે છે. પેરિમેનોપૉઝ દરમ્યાન ઍસિડિટી, બ્લોટિંગ અને કૅફીન-સંવેદનશીલતા જેવી સમસ્યાઓ વધી શકે છે અને આ ડ્રિન્ક એમાં મદદરૂપ બને છે. સોહા આ પીણું સવારે ખાલી પેટે પીએ છે અને ૨૦–૩૦ મિનિટ બાદ નાસ્તો કરે છે.
ડ્રિન્ક બનાવવાની સોહાની રીત
અડધો ગ્લાસ ગરમ પાણી લો, એમાં અડધું લીંબુ નિચોવીને થોડું પિન્ક સૉલ્ટ, ચપટી હળદર અને મરીનો ભૂકો નાખો. ત્યાર બાદ આખી રાત પલાળેલાં ચિયા સીડ્સ અને તાજું ખમણેલું આદું ઉમેરો. થોડો સમય રાખીને પછી આ પાણી ધીમે-ધીમે પીવાની આદત પાડો. આ પીણામાંનો દરેક ઘટક ફાયદાકારક છે. લીંબુ અને આદું પાચનક્રિયા સુધારે છે, ચિયા સીડ્સ ફાઇબર પૂરું પાડે છે, જ્યારે હળદર ઍન્ટિ-ઇન્ફ્લેમેટરી અને ઍન્ટિઑક્સિડન્ટ ગુણ ધરાવે છે. આ સિવાય કાળાં મરીનો ભૂકો હળદરના શોષણને વધારવામાં મદદ કરે છે.
સોહાએ કહ્યું હતું કે ચિયા સીડ્સ હંમેશાં પલાળીને જ લેવાં તેમ જ જો કોઈને ગટ અથવા ગળવાની સમસ્યા હોય તો આ પીણું ટાળવું. આ સિવાય જો ઍસિડિટી, કિડની-સ્ટોન અથવા સેન્સિટિવ પેટની સમસ્યા હોય તો ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.
