ફેડરેશન ઑફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લૉઈઝના મુખ્ય સલાહકાર અશોક પંડિતે કરી જાહેરાત
સિંગર રાહુલ વૈદ્ય
ભારતની અનેક સેલિબ્રિટી ટર્કીનો બહિષ્કાર કરી રહી છે અને હવે એમાં સિંગર રાહુલ વૈદ્યનો પણ સમાવેશ થયો છે. રાહુલે હાલમાં ટર્કીના અંતાલ્યામાં પાંચમી જુલાઈએ એક લગ્ન-સમારોહમાં પર્ફોર્મ કરવાનો ઇનકાર કરી દીધો છે. એ માટે રાહુલે ૫૦ લાખ રૂપિયાની ઑફર ઠુકરાવી દીધી છે. રાહુલે જણાવ્યું હતું કે તેનો આ નિર્ણય સંપૂર્ણપણે રાષ્ટ્રીય હિત માટે હતો.
પોતાના આ નિર્ણય વિશે વાત કરતાં રાહુલ વૈદ્યએ કહ્યું હતું કે ‘આ ઑફર ખૂબ સારી હતી. તેઓ મને ૫૦ લાખ રૂપિયા આપવાના હતા, પરંતુ મેં તેમને કહ્યું કે કોઈ કામ, કોઈ પૈસા કે કોઈ પ્રસિદ્ધિ દેશના હિતથી મોટી નથી. તેમણે મને એથી પણ વધુની ઑફર કરી હતી, પરંતુ મેં સ્પષ્ટપણે કહી દીધું કે આ પૈસાનો મામલો નથી, આ મુદ્દો એનાથી ઘણો મોટો છે. આ વ્યક્તિગત રીતે મારા વિશે નથી, રાષ્ટ્ર વિશે છે અને આપણે આપણા રાષ્ટ્ર સાથે ઊભા રહેવું જોઈએ. મને એવા દેશમાં જવામાં કોઈ રસ નથી જે મારા દેશનો દુશ્મન છે અને એનું સન્માન નથી કરતો. હું આજે જેકાંઈ છું એ મારા દેશ અને મારા દેશવાસીઓને કારણે છું. જે કોઈ મારા દેશ અને દેશવાસીઓના હિતની વિરુદ્ધ જાય છે તેને સહન કરવામાં નહીં આવે.’
ADVERTISEMENT
ટર્કી વિશે પોતાનો મત વ્યક્ત કરતાં રાહુલે કહ્યું હતું કે ‘ભારતીયો ટર્કીમાં ઘણા પૈસા ખર્ચે છે અને ત્યાં લગ્ન કરીને આપણે તેમને મોટો વ્યવસાય આપીએ છીએ. આપણે તેમને કરોડો રૂપિયાની રેવન્યુ આપીએ છીએ અને તેઓ આ રીતે જવાબ આપે છે? આપણે એવા દેશમાં પૈસા કઈ રીતે ખર્ચીએ જે આપણા પ્રત્યે વફાદાર જ નથી? જે કોઈ મારા દેશની વિરુદ્ધ છે તે મારી વિરુદ્ધ છે.’
ટર્કીમાં નહીં થાય કોઈ પણ ભારતીય ફિલ્મનું શૂટિંગ
ફેડરેશન ઑફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લૉઈઝના મુખ્ય સલાહકાર અશોક પંડિતે કરી જાહેરાત
ભારત-પાકિસ્તાન વચ્ચેના તાજેતરના સંઘર્ષની અસર બૉલીવુડમાં પણ જોવા મળી છે. ભારત તરફથી તમામ પાકિસ્તાની કલાકારોનાં સોશ્યલ મીડિયા અકાઉન્ટ્સ અને ગીતો પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. હવે ફેડરેશન ઑફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લૉઈઝના મુખ્ય સલાહકાર અશોક પંડિતે પાકિસ્તાન બાદ ટર્કી અને અઝરબૈજાન જેવા દેશોના બહિષ્કારની જાહેરાત કરી છે.
અશોક પંડિતે ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ‘લાંબા સમયથી ટર્કી ભારતીય ફિલ્મોના શૂટિંગ માટે હૉટસ્પૉટ હબ બની ગયું હતું. કાશ્મીરની જેમ આ દેશ પણ ફિલ્મનિર્માતાઓ માટે પસંદગીનું સ્થળ હતું, પરંતુ હાલના સંજોગોને જોતાં હવે કોઈ પણ ભારતીય ફિલ્મનું શૂટિંગ ટર્કી અને અઝરબૈજાનમાં નહીં થાય. કોઈ પણ નિર્માતા, સેલિબ્રિટી, ટેક્નિશ્યન કે નિર્માતા આ દેશમાં ફિલ્મનિર્માણ માટે નહીં જાય. આને કારણે હવે ટર્કીને મોટું નુકસાન થશે. આપણા કારણે તેમના પર્યટનને ઘણું પ્રોત્સાહન મળ્યું છે.’
ટર્કીમાં શૂટ થયેલી ફિલ્મો - દિલ ધડકને દો, એક થા ટાઇગર, ટાઇગર 3, રેસ 2, મિશન ઇસ્તાંબુલ


