અલ્લુ અર્જુનના હિન્દી અવાજ બનેલા શ્રેયસ તળપદેની ચોંકાવનારી કબૂલાત
શ્રેયસ તળપદે
ભારતભરમાં જ નહીં, જગતભરમાં પુષ્પા એટલે કે અલ્લુ અર્જુનનો જે ક્રેઝ છે એનું શ્રેય જાય છે ત્રણ શબ્દોના આ હિન્દી ડાયલૉગને : ઝુકેગા નહીં સાલા...
‘પુષ્પા : ધ રાઇઝ’ અને હવે ‘પુષ્પા 2 : ધ રૂલ’માં હિન્દી ડાયલૉગ્સ ઍક્ટર શ્રેયસ તળપદેના અવાજમાં છે, કારણ કે તેલુગુ ભાષા બોલતા અલ્લુ અર્જુનને સરખું હિન્દી નથી આવડતું. હિન્દી ઑડિયન્સમાં પુષ્પા રાજનું જે ગાંડપણ છે એમાં અદૃશ્ય ફાળો શ્રેયસ તળપદેનો પણ છે, જોકે નવાઈની વાત એ છે કે શ્રેયસ ક્યારેય અર્જુનને મળ્યો જ નથી. ફિલ્મનો પહેલો ભાગ સુપરહિટ થયા પછી પણ નહીં, એમાં શ્રેયસની ડબિંગ-કળા ખૂબ વખણાઈ એ છતાં નહીં. શ્રેયસે એક ઇન્ટરવ્યુમાં ત્યાં સુધી કહ્યું છે કે અમે એકમેક સાથે ક્યારેય વાત પણ નથી કરી.
ADVERTISEMENT
મોઢામાં રૂ ભરાવીને કેમ ડાયલૉગ બોલવા પડ્યા શ્રેયસે?
‘પુષ્પા 2 : ધ રૂલ’ના ડબિંગના સંદર્ભમાં શ્રેયસ તળપદેએ એક રસપ્રદ વાત કહી છે. તે કહે છે, ‘આ વખતે મોટા ભાગે પુષ્પાને દારૂ પીતો કે તમાકુ ચાવતો કે ક્યારેક સ્મોકિંગ કરતો દેખાડવામાં આવ્યો છે એટલે એ રીતે તેના મોઢામાંથી નીકળતા શબ્દો સાથે તાલમેલ જાળવવો અઘરો હતો. એટલે એવી લાઇનો બોલવા માટે હું મોઢામાં રૂ નાખીને ડબિંગ કરતો હતો.’


