શેફાલી જરીવાલાનું ૪૨ વર્ષની નાની વયે અવસાન : ઍન્ટિ-એજિંગ ટ્રીટમેન્ટને લીધે કાર્ડિઍક અરેસ્ટનો ભોગ બની હોવાની ચર્ચા
ગઈ કાલે શેફાલીની અરથીને કાંધ આપતો પતિ પરાગ.
બૉલીવુડમાં ‘કાંટા લગા ગર્લ’ તરીકે જાણીતી શેફાલી જરીવાલાનું ૪૨ વર્ષની વયે અવસાન થયું છે. પ્રાથમિક રિપોર્ટ અનુસાર તેના મૃત્યુનું કારણ કાર્ડિઍક અરેસ્ટ છે. જોકે પોલીસે પોસ્ટમૉર્ટમ
પછીનું ફાઇનલ તારણ જાહેર નથી કર્યું. શુક્રવારે મોડી રાતે શેફાલીની તબિયત બગડતાં તેનો પતિ તેને અંધેરીની બેલવ્યુ મલ્ટિ સ્પેશ્યલિટી હૉસ્પિટલ લઈ ગયો હતો જ્યાં શેફાલીને મૃત્યુ પામેલી જાહેર કરવામાં આવી હતી. કહેવાય છે કે શેફાલીનું મૃત્યુ ઇન્ટેન્સિવ કૅર યુનિટ (ICU)માં પહોંચે એ પહેલાં જ થઈ ગયું હતું. એ સમયે તેની સાથે પતિ પરાગ ત્યાગી તેમ જ ત્રણ અન્ય જણ હાજર હતા.
શેફાલીનો જન્મ ૧૯૮૨ની ૧૫ ડિસેમ્બરે અમદાવાદના ગુજરાતી પરિવારમાં થયો હતો અને તેણે આણંદની સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી ઇન્ફર્મેશન ટેક્નૉલૉજીમાં એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. શેફાલી શરૂઆતથી જ બૉલીવુડનો હિસ્સો બનવા માગતી હતી અને એટલે જ તેણે માત્ર ૧૯ વર્ષની ઉંમરે ૨૦૦૨માં મ્યુઝિક-ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું. ૨૦૦૨માં શેફાલી મ્યુઝિક-વિડિયો ‘કાંટા લગા’માં જોવા મળી હતી અને આ મ્યુઝિક-વિડિયો જબરદસ્ત હિટ સાબિત થતાં તેને બૉલીવુડમાં ‘કાંટા લગા ગર્લ’ તરીકે ઓળખ મળી હતી.
ADVERTISEMENT
આ સફળતા પછી શેફાલીએ બૉલીવુડની ફિલ્મોમાં નસીબ અજમાવ્યું અને ૨૦૦૪માં તે સલમાન ખાન અને અક્ષયકુમાર સાથે ‘મુઝસે શાદી કરોગી’માં એક નાનકડા રોલમાં જોવા મળી હતી. એ સિવાય તે ‘બૂગી વૂગી’, ‘નચ બલિયે 5’, ‘નચ બલિયે 7’ અને ‘બિગ બૉસ 13’ જેવા રિયલિટી શોમાં પણ જોવા મળી હતી. જોકે શેફાલીને ૧૫ વર્ષની વયથી એપિલેપ્સીની બીમારી હોવાથી તે વધુ કામ કરી શકી નહોતી. શેફાલીએ એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે ‘એપિલેપ્સીના ઇલાજ દરમ્યાન મારું વજન ઘણું વધી ગયું હતું એને કારણે શૂટિંગ અને મુસાફરી જેવાં કામમાં મને મુશ્કેલી પડતી હતી જેની મારી કરીઅર પર પણ અસર પડી હતી.’
‘કાંટા લગા’ માટે મળ્યા હતા ૭૦૦૦ રૂપિયા
શેફાલીએ ૧૯ વર્ષની વયે ‘કાંટા લગા’ સૉન્ગથી મ્યુઝિક-ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યું હતું. આ ગીત માટે તેની પસંદગી કઈ રીતે થઈ એ વિશે તેણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘એ સમયે હું કૉલેજમાં ભણતી હતી. મારા પરિવારમાં બધાએ બહુ સારો અભ્યાસ કર્યો છે એટલે મારાં માતા-પિતા હંમેશાં મને અભ્યાસમાં ધ્યાન આપવાનો આગ્રહ કરતાં હતાં. જોકે મને આ ઑફર સારી લાગી, કારણ કે એમાં પૈસા મળવાના હતા. ‘કાંટા લગા’ ગીત માટે મને માત્ર ૭૦૦૦ રૂપિયા આપવામાં આવ્યા હતા. જોકે હું મારી જાતને ટીવી પર જોવા માગતી હતી. મારા પિતા મારા આ નિર્ણયથી બિલકુલ ખુશ નહોતા, પણ મેં પહેલાં મારી મમ્મીને વિશ્વાસમાં લીધી એ પછી અમે બન્નેએ મળીને પપ્પાને મનાવ્યા હતા. ત્યાર બાદ આ ગીત જબરદસ્ત હિટ બન્યું અને મારું જીવન જ બદલાઈ ગયું. એ મારા માટે કોઈ પરીકથા જેવું હતું. જોકે આ ગીત બાદ હું ધીમે-ધીમે શો બિઝનેસથી દૂર થતી ગઈ, કારણ કે હું મારો અભ્યાસ પૂરો કરવા માગતી હતી અને ભણવાનું પડતું મૂકીને ગ્લૅમરની દુનિયામાં સંપૂર્ણપણે ઊતરવા નહોતી માગતી.’
અંગત જીવનના અપ-ડાઉન
શેફાલી જરીવાલા લોકપ્રિયતા મેળવવાની બાબતમાં જેટલી નસીબદાર હતી એટલી જ અંગત જીવનમાં કમનસીબ હતી. શેફાલીનું અંગત જીવન અપ્સ-ડાઉન્સથી ભરેલું હતું. શેફાલીએ ૨૦૦૪માં પ્રથમ લગ્ન સંગીતકાર હરમીત સિંહ સાથે કર્યાં હતાં. તેમનાં લગ્ન ભારે ધામધૂમથી થયાં હતાં, પણ ૨૦૦૯માં બન્ને અલગ થઈ ગયાં હતાં. એ સમયે શેફાલીએ ભૂતપૂર્વ પતિ પર ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો હતો. તેણે કહ્યું હતું કે મને માનસિક રીતે હેરાન કરવામાં આવી હતી અને આર્થિક રીતે પણ મારું શોષણ કરવામાં આવ્યું હતું. એ સમયે શેફાલીએ હરમીત વિરુદ્ધ પોલીસ-ફરિયાદ નોંધાવી હતી.
શેફાલીએ એ પછી ચાર વર્ષના ડેટિંગ બાદ ૨૦૧૪માં તેનાથી ૭ વર્ષ મોટા ઍક્ટર પરાગ ત્યાગી સાથે લગ્ન કર્યાં હતાં. એક પૉડકાસ્ટમાં શેફાલીએ લગ્ન સમયના સંજોગો વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘જ્યારે હું પરાગ સાથે લગ્ન કરવા માગતી હતી ત્યારે બે વાર તારીખ નક્કી થયા બાદ કૅન્સલ થઈ હતી. આખરે ધીરજ ન રહેતાં અચાનક ઘરે જ રજિસ્ટર્ડ મૅરેજ કરી લીધાં હતાં. જોકે એ સમયે પરિવારનો કોઈ સભ્ય હાજર નહોતો. મારાં પરાગ સાથેનાં લગ્નમાં માત્ર પાળેલો શ્વાન હાજર હતો.’
શેફાલીની અન્ય રિલેશનશિપની વાત કરીએ તો લગ્ન પહેલાં એક તબક્કે તે અને દિવંગત ઍક્ટર સિદ્ધાર્થ શુક્લા પણ રિલેશનશિપમાં હતાં અને તેના બન્ને પતિઓને આ રિલેશનશિપની જાણ હતી, પણ આને કારણે ક્યારેય કોઈ સમસ્યા નહોતી થઈ. ખાસ વાત એ છે કે શેફાલીની છેલ્લી ટ્વીટ પણ સિદ્ધાર્થ શુક્લા વિશે જ હતી જે તેણે સિદ્ધાર્થની પુણ્યતિથિએ કરી હતી. ૨૦૨૪ની બીજી સપ્ટેમ્બરે કરેલી એ પોસ્ટમાં શેફાલીએ સિદ્ધાર્થ સાથેનો એક ફોટો શૅર કરતાં લખ્યું હતું, ‘આજે હું તારા વિશે વિચારી રહી છું મારા મિત્ર.’
ખાસ વાત તો એ છે કે શેફાલી અને સિદ્ધાર્થ બન્નેનાં મૃત્યુ બહુ નાની વયે કાર્ડિઍક અરેસ્ટને લીધે થયાં છે. શેફાલીએ એક ઇન્ટરવ્યુમાં સિદ્ધાર્થ સાથેના પોતાના સંબંધો વિશે જણાવતાં કહ્યું હતું કે ‘જુઓ, અમે બ્રેકઅપ પછી પણ ‘બિગ બૉસ 13’માં સાથે કામ કર્યું. અમે એકમેકને મળતાં હતાં ત્યારે અમે હંમેશાં સારી રીતે વર્તતાં હતાં.’
અધૂરી રહી ગઈ માતા બનવાની ઇચ્છા
શેફાલીએ બે લગ્ન કર્યાં હતાં, પણ માતા બનવાની તેની ઇચ્છા પૂરી થઈ શકી નહોતી. શેફાલી અને પરાગે ૨૦૧૪માં લગ્ન કર્યાં હતાં પણ ૧૧ વર્ષના લગ્નજીવનમાં શેફાલીની માતા બનવાની ઇચ્છા અધૂરી રહી ગઈ હતી. પોતાની આ ઇચ્છા વિશે શેફાલીએ એક પૉડકાસ્ટમાં દિલની લાગણી વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘મારા અને પરાગની ઉંમરમાં વધારે અંતર હોવાથી હું કુદરતી રીતે માતા બની નથી શકતી અને આમાં ઘણી મુશ્કેલીઓ આવી છે. આખરે મેં માતા બનવાના તમામ પ્રયાસ છોડી દીધા છે. હું હંમેશાં દીકરીની માતા બનવા માગતી હતી. હું જ્યારે ૧૨ વર્ષની હતી ત્યારથી દીકરી દત્તક લેવા માગતી હતી. મેં એ માટેના પ્રયાસ કર્યા હતા, પણ કાનૂની અડચણોને કારણે એ શક્ય ન બની શક્યું. જોકે કોવિડ-19ના સમયગાળામાં મેં જ્યારે સ્વજનો ગુમાવ્યા ત્યારે મને માતા બનવામાં ડર લાગવા માંડ્યો હતો અને મેં તમામ પ્રયાસ પડતા મૂકી દીધા છે.’
આંતરિક સુંદરતા પર ફિદા
મોટા ભાગના લોકો શેફાલીને સુંદર અને ગ્લૅમરસ યુવતી સમજતા હતા, પણ પતિ પરાગ માટે તે એક દયાળુ, નમ્ર અને પ્રેમાળ વ્યક્તિ હતી. પરાગ શેફાલીનાં સાસરિયાં પ્રત્યેના પ્રેમ અને હૂંફથી પ્રભાવિત હતો. શેફાલીએ તેના પરિવારની લીધેલી કાળજીએ પરાગનું દિલ જીતી લીધું હતું. એક ઇન્ટરવ્યુમાં શેફાલી વિશે વાત કરતાં પરાગે કહ્યું હતું કે ‘શેફાલી વહાલી છોકરી છે. જ્યારે તેનો મ્યુઝિક-વિડિયો આવ્યો ત્યારે લોકોના મનમાં તેની એક અલગ છબિ હતી, પરંતુ તે પોતાની સ્ક્રીન-ઇમેજથી સંપૂર્ણપણે અલગ હતી. તે એવી છોકરી છે જેને કોઈ પણ છોકરો પોતાની પત્ની તરીકે ઇચ્છે. તે ખૂબ કાળજી લેનારી છે. કોઈ વ્યક્તિનો ન્યાય કરવા માટે તમારે જોવું જોઈએ કે તેના ઘરમાં તેનું વર્તન કેવું છે. તેણે મારાં માતા-પિતાની એક સંતાનની જેમ કાળજી લીધી છે. તેની એ વાતથી તેણે મારું દિલ જીતી લીધું છે.’
પરિવારની અત્યંત નજીક
ગુજરાતી પરિવારની શેફાલી જરીવાલા પોતાના પરિવારની અત્યંત નજીક હતી. તેના પપ્પા સતીશ જરીવાલા ઉદ્યોગપતિ છે અને તેની મમ્મી સુનીતા જરીવાલા સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયામાં કામ કરે છે. શેફાલીએ ઘણા ઇન્ટરવ્યુ અને શોમાં તેની મમ્મી સાથેના ગાઢ સંબંધો વિશે વાત કરી હતી. શેફાલીને એક નાની બહેન શિવાની પણ છે જે પરણેલી છે અને પોતાના જીવનમાં વ્યસ્ત છે. શેફાલી અને શિવાની વચ્ચે ખૂબ સારી રિલેશનશિપ હતી.

