આ ઇવેન્ટમાં દેશભરનાં ૫૦૦૦થી વધુ સ્થળોએ ૧૫,૦૦૦થી વધુ સાઇકલસવારોએ ભાગ લીધો હતો
રવિવારે દિલ્હીમાં સ્પોર્ટ્સ મિનિસ્ટર મનસુખ માંડવિયા સાથે શર્વરી.
ઍક્ટ્રેસ શર્વરી વાઘને રવિવારે દિલ્હીમાં આયોજિત ‘ફિટ ઇન્ડિયા સન્ડે ઑન સાઇકલ’ની પચીસમી એડિશન દરમ્યાન યુવા બાબતો અને રમતગમતના કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા દ્વારા ‘યંગ ફિટ ઇન્ડિયા આઇકન’ તરીકે સન્માનિત કરવામાં આવી હતી. આ ઇવેન્ટને તિરંગા સાઇકલ રૅલી તરીકે ઊજવવામાં આવી. આ રૅલીનો હેતુ ભારતનાં સશસ્ત્ર દળોને શ્રદ્ધાંજલિ આપવાનો અને વર્લ્ડ બાઇસિકલ ડે (૩ જૂન)ની ઉજવણીનો હતો. આ ઇવેન્ટમાં દેશભરનાં ૫૦૦૦થી વધુ સ્થળોએ ૧૫,૦૦૦થી વધુ સાઇકલસવારોએ ભાગ લીધો હતો અને એનું નેતૃત્વ મનસુખ માંડવિયાએ મેજર ધ્યાનચંદ નૅશનલ સ્ટેડિયમ ખાતે કર્યું હતું.
શર્વરી ‘મુંજ્યા’, ‘મહારાજ’ અને ‘વેદા’ જેવી ફિલ્મો માટે જાણીતી છે. તેણે આ ઇવેન્ટમાં ભાગ લઈને યુવાનોને ફિટનેસ અપનાવવા પ્રેરણા આપી. તેણે કહ્યું, ‘આ અભિયાન ખૂબ મોટું છે અને ફિટ ઇન્ડિયા આઇકન બનવું મારા માટે સન્માનની વાત છે. સાઇક્લિંગ મને સ્કૂલની ઉનાળાની રજાઓની યાદ અપાવે છે જ્યારે અમે સાઇકલ ભાડે લઈને ફરતાં હતાં. આ સાઇકલ રૅલી મારા માટે વધુ મહત્ત્વની છે, કારણ કે આ આપણા બહાદુર સૈનિકો માટે છે. તેમના કારણે જ આપણે આપણાં ઘરોમાં શાંતિથી ઊંઘી શકીએ છીએ. આ તિરંગા રૅલી દ્વારા તેમની બહાદુરીને શ્રદ્ધાંજલિ આપવી મારા માટે ગૌરવની વાત છે.’


