શાહરુખે તેના બંગલાની ગૅલરીમાંથી રાતે સૌને હાથ દેખાડીને તેમનું અભિવાદન ઝીલ્યું હતું. શાહરુખને જોઈને તેના ફૅન્સનો ઉત્સાહ તો ચરમસીમાએ પહોંચી ગયો હતો.
શાહરુખ ખાન (તસવીર સૌજન્ય: સમીર માર્કન્ડે)
શાહરુખ ખાને તેના ફૅન્સ પ્રત્યે પ્રેમ વ્યક્ત કર્યો છે. તેની એક ઝલક જોવા માટે ફૅન્સ મન્નત માગે છે. ગઈ કાલે તેનો બર્થ-ડે હોવાથી દર વર્ષની જેમ આ વર્ષે પણ તેના બંગલા ‘મન્નત’ની બહાર ફૅન્સની ભીડ ઊમટી પડી હતી. શાહરુખે તેના બંગલાની ગૅલરીમાંથી રાતે સૌને હાથ દેખાડીને તેમનું અભિવાદન ઝીલ્યું હતું. શાહરુખને જોઈને તેના ફૅન્સનો ઉત્સાહ તો ચરમસીમાએ પહોંચી ગયો હતો. એનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. ફૅન્સ પ્રત્યે પ્રેમનો એકરાર કરતાં સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર શાહરુખે લખ્યું કે ‘મને ખરેખર વિશ્વાસ નથી બેસતો કે અડધી રાતે તમે બધા મને બર્થ-ડે વિશ કરવા આવ્યા. હું તો માત્ર એક ઍક્ટર છું. તમને મનોરંજન પૂરું પાડવાની જે મને ખુશી મળે છે એનાથી વિશેષ કાંઈ નથી. હું તો તમારા પ્રેમનાં જ સપનાં જોઉં છું. તમને એન્ટરટેઇન કરવાની મને પરવાનગી આપી એ બદલ આભાર.’
‘ડંકી’નું ટીઝર શૅર કરીને ફૅન્સને ગિફ્ટ આપી શાહરુખે
ADVERTISEMENT
શાહરુખ ખાનનો ગઈ કાલે બર્થ-ડે હોવાથી તેની આગામી ફિલ્મ ‘ડંકી’નું ટીઝર તેણે લૉન્ચ કર્યું છે. આ ફિલ્મ રાજકુમાર હીરાણીએ બનાવી છે. ફિલ્મમાં શાહરુખની સાથે તાપસી પન્નુ, વિકી કૌશલ, બમન ઈરાની અને વિક્રમ કોચર લીડ રોલમાં દેખાશે. આ ફિલ્મ બાવીસ ડિસેમ્બરે થિયેટરમાં રિલીઝ થવાની છે. ફિલ્મની સ્ટોરી ચાર ફ્રેન્ડ્સની છે જેમને લંડન જવું છે. ફિલ્મનું ટીઝર ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને શાહરુખે કૅપ્શન આપી હતી, ‘સામાન્ય અને દિલના પ્રેમાળ લોકોની આ સ્ટોરી છે જે પોતાનાં સપનાંઓ અને ઇચ્છાઓ પૂરાં કરવાનો પ્રયાસ કરે છે. ફ્રેન્ડશિપ, પ્રેમ અને સાથે રહેવું, સંબંધો જાળવી રાખવા એને ઘર કહેવાય. દિલને સ્પર્શી જનાર અદ્ભુત વ્યક્તિની હૃદયસ્પર્શી સ્ટોરી છે. આ જર્નીમાં જોડાઈને હું સન્માન અનુભવું છું.’

