કિંગ ખાનની માર્વેલ સ્ટુડિયો સાથે આગામી પ્રોજેક્ટ વિશે વાતચીત ચાલી રહી હોવાની ચર્ચા.
શાહરુખ ખાન
બૉલીવુડનો બાદશાહ ગણાતો શાહરુખ ખાન વિદેશમાં પણ લોકપ્રિય છે છતાં તેણે હજી સુધી હૉલીવુડની કોઈ ફિલ્મમાં કામ નથી કર્યું. બૉલીવુડમાંથી ઇરફાન પઠાણ, અમિતાભ બચ્ચન, દીપિકા પાદુકોણ, પ્રિયંકા ચોપડા, અનિલ કપૂર તેમ જ નસીરુદ્દીન શાહ જેવા અનેક સ્ટાર્સે હૉલીવુડની ફિલ્મમાં કામ કર્યું છે અને હવે લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે શાહરુખ પણ હૉલીવુડ મૂવીમાં કામ કરવા તૈયાર થયો છે.
શાહરુખ ખાનને ઘણી વખત હૉલીવુડની ફિલ્મોની ઑફર મળી છે પણ તેણે બૉલીવુડમાં જ કામ કરવાનું પસંદ કર્યું છે. હવે લાગે છે કે તે પોતાના સ્ટારડમનો વ્યાપ વધારવા માગે છે. મળતી માહિતી પ્રમાણે શાહરુખ હૉલીવુડની ફિલ્મમાં સુપરહીરોના રોલમાં જોવા મળશે અને એ માટે તેની માર્વેલ સ્ટુડિયો સાથે આગામી પ્રોજેક્ટ વિશે વાતચીત ચાલી રહી છે.
માર્વેલ સિનેમૅટિક યુનિવર્સની ફિલ્મો ભારતમાં લોકોને બહુ ગમે છે. તેની ‘ઍવેન્જર્સ’ અને ‘કૅપ્ટન અમેરિકા’ જેવી ફિલ્મોના ચાહકોની સંખ્યા ભારતમાં ઘણી છે. હવે આ યુનિવર્સની ફિલ્માં શાહરુખની સુપરહીરો તરીકે એન્ટ્રી થાય એવા પૂરેપૂરા ચાન્સ છે. જોકે આ મામલે ઍક્ટર કે મેકર્સે કોઈ સ્પષ્ટતા નથી કરી.


