સારાએ પોતાની ફિલ્મી કરીઅરની શરૂઆત સુશાંત સિંહ રાજપૂત સાથે ફિલ્મ ‘કેદારનાથ’થી કરી હતી
સારા અલી ખાન
સારા અલી ખાને ઝારખંડના દેવઘરના બાબા બૈદ્યનાથ ધામની મુલાકાત લીધી છે. સારાએ પોતાની ફિલ્મી કરીઅરની શરૂઆત સુશાંત સિંહ રાજપૂત સાથે ફિલ્મ ‘કેદારનાથ’થી કરી હતી. આ ફિલ્મ પછી સારા મહાદેવની પરમ ભક્ત બની ગઈ છે. પોતાની આસ્થાને કારણે સારા ઘણી વાર કોઈ ને કોઈ જ્યોતિર્લિંગમાં ભગવાન ભોલેનાથની પૂજા અને દર્શન કરવા પહોંચી જાય છે.
હાલમાં સોશ્યલ મીડિયા પર દેવઘરના બાબા બૈદ્યનાથ ધામનો વિડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં સારા દર્શન અને જલાભિષેક કરતી જોવા મળી રહી છે. સારા પહેલી વાર દેવઘરના બાબા બૈદ્યનાથ ધામમાં પૂજા કરવા ગઈ હતી ત્યારે તેણે પોતાના ચહેરા પર માસ્ક પહેર્યો હતો જેને કારણે સામાન્ય લોકો તેને ઓળખી ન શક્યા. મંદિર પહોંચ્યા પછી સારા પાસે ત્યાંના તીર્થ પુરોહિતો દ્વારા સંકલ્પ કરાવવામાં આવ્યો હતો. એ પછી દેવઘરના ડેપ્યુટી કમિશનર વિશાલ સાગર પોલીસ બળ સાથે સારાને ગર્ભગૃહમાં લઈ ગયા અને પૂજા કરાવી હતી.
સારા ઘણા દિવસોથી ઝારખંડના પ્રવાસે છે. તે થોડા દિવસ પહેલાં રાંચી ઍરપોર્ટ પરથી ઊતરીને રોડમાર્ગે ફિલ્મના શૂટિંગ માટે રાઉરકેલા જઈ રહી હતી ત્યારે રાંચી-ખૂંટીના મુખ્ય માર્ગ પર એક ઢાબા પર તેણે જમવાની મજા માણી હતી. જમ્યા પછી તે સીધી સિમડેગા થઈને રાઉરકેલા પહોંચી ગઈ હતી. માનવામાં આવે છે કે સારા પોતાની આગામી ફિલ્મના શૂટિંગ માટે ઝારખંડ ગઈ છે.

