Sandhya Shantaram Death: સંધ્યા શાંતારામને મરાઠી ફિલ્મ પિંજરા માટે તો શ્રેષ્ઠ મરાઠી અભિનેત્રીનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો
સંધ્યા શાંતારામ (તસવીર- એક્સ)
મરાઠી સિનેજગતની આઇકોનિક ફિલ્મ `પિંજરા` ફેમ સીનીયર ઍક્ટ્રેસ સંધ્યા શાંતારામનું નિધન થયું છે. ગઈકાલે ૯૪ વર્ષની વયે ઍક્ટ્રેસે આ દુનિયામાંથી વિદાય લીધી છે. તેમનું જન્મ વર્ષ ૧૯૩૨ અથવા ૧૯૩૬ હોવાનું જણાઈ રહ્યું છે. તેમની કારકિર્દી તરફ નજર કરીએ તો `પિંજરા` એ તેમની મરાઠી સિનેમાની સૌથી જાણીતી ફિલ્મ છે. એક શાળાના શિક્ષક અને એક નૃત્યાંગના વચ્ચેની અનોખી પ્રેમ કથા પર આધારિત આ ફિલ્મ આજે પણ લોકોના દિલમાં રાજ કરે છે. આ ફિલ્મમાં ઍક્ટ્રેસ સંધ્યા શાંતારામે લીડ રોલ કર્યો હતો. સંધ્યા શાંતારામને મરાઠી ફિલ્મ પિંજરા માટે તો શ્રેષ્ઠ મરાઠી અભિનેત્રીનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો. વર્ષ ૧૯૭૩માં ફિલ્મફેરમાં તેમને આ એવોર્ડથી સન્માનિત કરાયાં હતાં.
આ ફિલ્મોમાં કર્યું કામ- થયું નામ
ADVERTISEMENT
આમ જુઓ તો, ઍક્ટ્રેસે ઘણી ફિલ્મો નથી આપી, પરંતુ જે જે ફિલ્મમાં તેમણે ભૂમિકાઓ ભજવી છે તે હજુ પણ પ્રેક્ષકોના હૃદયમાં જીવંત છે. તે સિવાય મરાઠી ફિલ્મ `અમર ભૂપાલી`માં જોવા મળ્યાં હતા. સંધ્યાએ ઘણી પ્રખ્યાત હિન્દી ફિલ્મોમાં અભિનય કર્યો હતો, જેમ કે `તીન બત્તી ચાર રાસ્તા` (૧૯૫૩), `ઝનક ઝનક પાયલ બાજે` (૧૯૫૫), `દો આંખેં બારહ હાથ` (૧૯૫૮) અને `નવરંગ` (૧૯૫૯)
ગીત માટે શાસ્ત્રીય નૃત્ય પણ શીખ્યાં હતાં
તેઓએ ૧૯૫૯માં વી. શાંતારામની ફિલ્મ નવરંગથી અભિનયની શરૂઆત કરી હતી. તેમનું ગીત "ઓહ જા રે હટ નટખટ" ખૂબ જ લોકપ્રિય બન્યું. સંધ્યા શાંતારામનું સાચું નામ વિજયા દેશમુખ હતું, તેમણે ખાસ કરીને `અરે જા રે હટ નટખટ` ગીત માટે શાસ્ત્રીય નૃત્ય પણ શીખ્યું હતું. તે સિવાય `જલ બિન મછલી નૃત્ય બિન બિજલી` નામની ફિલ્મમાં પણ અભિનય કર્યો હતો.
અંગત જીવન વિષે...
વાત તેમના અંગત જીવનની. વી. શાંતારામે ત્રણ વખત લગ્ન કર્યા હતા તેમાં સંધ્યાબહેન તેમનાં ત્રીજા ધર્મપત્ની હતાં. વી શાંતારામે જ્યારે પોતાની બીજી પત્ની જયશ્રી સાથે છુટાછેડા થયા ત્યારબાદ એક મહિનાની અંદર જ સંધ્યાબહેન સાથે લગ્ન કર્યા હતા.
આશિષ શેલારે પાઠવી શ્રદ્ધાંજલિ
આશિષ શેલારે પણ ઍક્ટ્રેસ સંધ્યા શાંતારામને શ્રદ્ધાંજલિ આપતાં લખ્યું કે. "તેઓને હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ. ફિલ્મ `પિંજારા`ની જાણીતી અભિનેત્રી સંધ્યા શાંતારામજીના નિધનના સમાચાર અત્યંત દુઃખદ છે. તેમણે મરાઠી અને હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં પોતાની ઓળખ બનાવી છે. `ઝનક ઝનક પાયલ બાજે`, `દો આંખેં બારહ હાથ` અને ખાસ કરીને ફિલ્મ `પિંજરા` માં તેમની ભૂમિકાઓ દર્શકોના હૃદયમાં હંમેશા જીવંત રહેશે. પ્રભુ તેમના આત્માને શાંતિ અર્પે"
આજે થયાં અંતિમ સંસ્કાર
મીડિયા રિપોર્ટસ અનુસાર આજે શિવાજી પાર્ક ખાતે ઍક્ટ્રેસ સંધ્યા શાંતારામનાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.


