સલમાન હવે ૨૦૨૦ના ગલવાન ખીણ સંઘર્ષ પર આધારિત એક વૉર-ડ્રામામાં લીડ રોલમાં જોવા મળશે.
સલમાન ખાન
સલમાન ખાનની ફિલ્મ ‘સિકંદર’ આ વર્ષે ઈદના અવસર પર સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મથી ચાહકોને ઘણી આશાઓ હતી, પરંતુ તે બૉક્સ-ઑફિસ પર કોઈ કમાલ ન કરી શકી. ફિલ્મની નિષ્ફળતા પછી સલમાન એવી વાર્તાઓની શોધમાં હતો જે દમદાર હોય. આખરે સલમાન ખાને એક એવી સ્ક્રિપ્ટ ફાઇનલ કરી લીધી છે જે તેને પસંદ આવી છે. સલમાન હવે ૨૦૨૦ના ગલવાન ખીણ સંઘર્ષ પર આધારિત એક વૉર-ડ્રામામાં લીડ રોલમાં જોવા મળશે.
ફિલ્મમેકર અપૂર્વ લાખિયા દ્વારા ડિરેક્ટ કરવામાં આવી રહેલી સલમાનની આગામી ફિલ્મ શિવ અરૂર અને રાહુલ સિંહ દ્વારા ૨૦૨૨માં લખાયેલા પુસ્તક ‘ઇન્ડિયાઝ મોસ્ટ ફિયરલેસ 3’ (2022)ના કર્નલ બિકુમલ્લા સંતોષ બાબુ પર લખાયેલા પ્રથમ ચૅપ્ટર પર આધારિત છે. આમ સલમાન ફિલ્મમાં કર્નલ બિકુમલ્લા સંતોષ બાબુનું પાત્ર ભજવતો જોવા મળશે. રિપોર્ટ પ્રમાણે સલમાનની ફિલ્મ જુલાઈના બીજા સપ્તાહમાં ફ્લોર પર આવશે અને એનું શૂટિંગ મુંબઈ અને લદ્દાખમાં ૭૦ દિવસ સુધી ચાલશે.
ADVERTISEMENT
કોણ હતા કર્નલ બિકુમલ્લા સંતોષ બાબુ?
૨૦૨૦ના ગલવાન સંઘર્ષ દરમિયાન ૧૬ બિહાર રેજિમેન્ટનું નેતૃત્વ કરનારા કર્નલ બાબુ ૨૦૨૦ની ૧૪ જૂનના લદ્દાખના ગલવાન ખીણ વિસ્તારમાં ચીની સૈનિકોનો સામનો કરતાં શહીદ થયા હતા. તેઓ ચીની પીપલ્સ લિબરેશન આર્મી (PLA) સામેની કાર્યવાહીમાં શહીદ થનારા ભારતીય સૈનિકોમાંથી એક હતા. ૨૦૨૧માં તેમને મરણોત્તર મહાવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા.


