સલમાન ખાનની ‘માતૃભૂમિ : મે વૉર રેસ્ટ ઇન પીસ’નું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. ફિલ્મનું થોડું VFX કામ બાકી છે. ત્યાર બાદ CBFC સહિતની પ્રક્રિયા પૂર્ણ કરીને મેકર્સ રિલીઝ ડેટ જાહેર કરશે.
સલમાન ખાન આગામી ફિલ્મ `માતૃભૂમિ`
દેશભક્તિ પર આધારિત સલમાન ખાનની ફિલ્મ ‘માતૃભૂમિ : મે વૉર રેસ્ટ ઇન પીસ’ની ચર્ચા લાંબા સમયથી થઈ રહી છે. ફિલ્મની જાહેરાત ઘણા સમય પહેલાં જ કરવામાં આવી હતી. એનાં પોસ્ટર પણ રિલીઝ થઈ ચૂક્યાં છે અને ફિલ્મનાં ગીતો પણ રજૂ કરવામાં આવ્યાં છે, પણ આમ છતાં એની રિલીઝ-ડેટ જાહેર કરવામાં નહોતી આવી અને લાંબા સમયથી ફિલ્મ અટકેલી હતી. મૂળ તો આ ફિલ્મ ભારત-ચીનના ગલવાન સંઘર્ષ પર આધારિત હતી, પણ પછી ભારત સરકાર દ્વારા ચીન વિશેની નેગેટિવ બાબતો ફિલ્મમાંથી કાઢી નાખવાનું કહેવામાં આવ્યું એને પગલે લગભગ ૪૦ ટકા ભાગનું શૂટિંગ ફરી કરવામાં આવ્યું હતું. એને લીધે ઘણા લોકોએ તો એવું માની લીધું હતું કે સલમાનની આ ફિલ્મ હવે રિલીઝ નહીં થાય, પણ લેટેસ્ટ અપડેટ પ્રમાણે ટૂંક સમયમાં એની રિલીઝ તારીખ જાહેર કરવામાં આવશે.
‘માતૃભૂમિ : મે વૉર રેસ્ટ ઇન પીસ’ સાથે સંકળાયેલી એક વ્યક્તિએ માહિતી આપી છે કે ‘માતૃભૂમિ : મે વૉર રેસ્ટ ઇન પીસ’ લગભગ તૈયાર થઈ ગઈ છે. ફિલ્મનું શૂટિંગ થઈ ગયું છે અને હાલમાં થોડું વિઝ્યુઅલ ઇફેક્ટ્સનું કામ બાકી છે. આ કામ પૂર્ણ થયા બાદ સેન્સર બોર્ડ સહિત અન્ય વિભાગના લોકો ‘માતૃભૂમિ’ જોઈ લેશે. ત્યાર બાદ મેકર્સ તરત જ ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત કરશે.’
