‘RRR’ને શેડ્યુલ મુજબ જ રજૂ કરવામાં આવશે. અત્યાર સુધી એને પોસ્ટપોન કરવાનો કોઈ પ્લાન નથી.
‘ધ કપિલ શર્મા શો’માં ‘RRR’ની ટીમ.
આલિયા ભટ્ટે જણાવ્યું હતું કે ‘RRR’ના હિન્દી વર્ઝન માટે જુનિયર એનટીઆર અને રામ ચરણે પોતે જ હિન્દીમાં ડબિંગ કર્યું છે. આ ફિલ્મ એસ. એસ. રાજામૌલીએ બનાવી છે. આ બધા ‘ધ કપિલ શર્મા શો’માં આવ્યા હતા. આ ફિલ્મ ૨૦૨૨ની ૭ જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં આલિયા, અજય દેવગન, જુનિયર એનટીઆર અને રામ ચરણ લીડ રોલમાં દેખાશે. ‘ધ કપિલ શર્મા શો’માં આલિયાએ કહ્યું હતું કે ‘જો તમે ફિલ્મનું ટ્રેલર ધ્યાનથી સાંભળશો તો તમને જાણ થશે કે જુનિયર એનટીઆર અને રામ ચરણે હિન્દી ફિલ્મ પોતાના અવાજમાં ડબ કરી હતી. દર્શકોને ખૂબ અનોખો અનુભવ જોવા મળશે.’
એ શોમાં અર્ચના પુરણ સિંહે એ બન્નેને પૂછ્યું હતું કે તેઓ હિન્દી આટલી સચોટતાથી કઈ રીતે બોલી શકે છે અને તેમણે કેવી રીતે શીખી હતી. એનો જવાબ આપતાં જુનિયર એનટીઆરે કહ્યું હતું કે ‘હૈદરાબાદમાં હિન્દી બોલવાવાળા ઘણા છે. મારી સ્કૂલના શિક્ષણ દરમ્યાન હિન્દી મારી પહેલી ભાષા હતી, કારણ કે મારી મમ્મીની ઇચ્છા હતી કે હું એ ભાષા શીખું. આખરે એ આપણી રાષ્ટ્રીય ભાષા છે. એથી મને ઘણી મદદ મળી હતી. મુંબઈમાં મારા કેટલાય ફ્રેન્ડ્સ પણ છે. ટેક્નિશ્યન્સ સતત અહીં આવતા રહે છે અને ઘણી બાબતો એક્સચેન્જ કરીએ છીએ. ‘બાહુબલી’ના આભારી છીએ કે હવે વસ્તુઓનો વિસ્તાર થઈ રહ્યો છે. એથી જો તમે સતત વાતચીત કરતા રહો તો ધીમે-ધીમે તમે ભાષા શીખવા લાગો છો.’


