મૌસમી ચૅટરજીએ એક ઇન્ટરવ્યુમાં વાત કરી ઍક્ટ્રેસ સાથેની રાઇવલરી વિશે. મૌસમી ચૅટરજીની ગણતરી એક તબક્કે બૉલીવુડની સફળ હિરોઇનોમાં થતી હતી અને આજે પણ તેઓ પોતાના બોલ્ડ અભિગમને કારણે ચર્ચામાં છે.
મૌસમી ચૅટરજી અને રેખા
મૌસમી ચૅટરજીની ગણતરી એક તબક્કે બૉલીવુડની સફળ હિરોઇનોમાં થતી હતી અને આજે પણ તેઓ પોતાના બોલ્ડ અભિગમને કારણે ચર્ચામાં છે. હાલમાં એક ઇન્ટરવ્યુમાં મૌસમીએ તેની સમકાલીન ઍક્ટ્રેસ રેખા સાથેના પોતાના સંબંધો વિશે જણાવ્યું હતું કે રેખાને તેની બહુ ઈર્ષા થતી હતી. રેખા સાથેના પોતાના સંબંધો વિશે વાત કરતાં મૌસમીએ જણાવ્યું હતું કે ‘રેખાને લાગતું હતું કે વિનોદ મેહરા તેના કરતાં મારી વાત વધારે સાંભળે છે અને આ કારણે રેખાને મારી સાથે સમસ્યા હતી. વિનોદની માતાને રેખા ખાસ પસંદ નહોતી. તે જ્યારે વિનોદના ઘરે હોય ત્યારે તેની હાજરીમાં જ વિનોદની માતા ઘરનાં નાનાં-મોટાં કામો મને જ કહેતી અને સ્વાભાવિક રીતે તેને આ ગમતું નહોતું. હું વિનોદની માતાને પૂછતી હતી કે તે આવું વર્તન કેમ કરે છે તો તેઓ સ્પષ્ટ કહેતાં હતાં કે મને આની પરવા નથી. આમ રેખા અને વિનોદ મેહરાની માતા વચ્ચે મારી સૅન્ડવિચ થઈ જતી હતી.’
રેખા સાથેના પોતાના સંબંધો વિશે વાત કરતાં મૌસમીએ કહ્યું હતું કે ‘રેખાને મારાથી ઈર્ષા થતી હતી, કારણ કે તેણે વિનોદને કન્ટ્રોલ કરવો હતો. મારી રાઇવલરી માત્ર અંગત જીવન સુધી જ નહીં, પરંતુ ફિલ્મના સેટ સુધી પણ પહોંચી ગઈ હતી. તે મને જોઈને એવું મોં બગાડતી હતી અને એવું વર્તન કરતી હતી કે જાણે તેને કોઈ પરવા જ નથી. એક વખત આ મામલે મેં તેને ખખડાવી હતી અને તે ગભરાઈ ગઈ હતી.’


