સુપ્રિયા પાઠકની સારી બહેન ન બનવાનો વસવસો વ્યક્ત કરીને રત્ના પાઠક શાહે કહ્યું...
સુપ્રિયા પાઠક અને રત્ના પાઠક શાહ
સુપ્રિયા પાઠક અને રત્ના પાઠક શાહ બન્ને સગી બહેન છે. સુપ્રિયા પાઠક અને રત્ના પાઠક શાહે પોતાના પર્ફોર્મન્સથી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં ખૂબ માન-સન્માન મેળવ્યું છે. સુપ્રિયા પાઠક કરતાં ચાર વર્ષ મોટા છે રત્ના પાઠક શાહ. જોકે હવે બાળપણની વાતોને યાદ કરીને રત્ના પાઠક શાહને વસવસો થઈ રહ્યો છે. તેમનું કહેવું છે કે બન્ને વચ્ચે ખાસ્સો ઝઘડો થતો હતો. તેઓ માને છે કે તેઓ સારી બહેન નથી બની શક્યાં. એ જૂની વાતોને યાદ કરીને રત્ના પાઠક શાહ કહે છે, ‘અમે બન્ને અલગ છીએ. અમે જ્યારે નાનાં હતાં ત્યારે હું અને સુપ્રિયા ખૂબ ઝઘડતાં હતાં. હું સારી બહેન નહોતી. સ્વીકાર કરું છું કે હું તેને ખૂબ ડરાવતી હતી. જોકે મને એ વાતની પણ ખુશી છે કે મેં મારી બધી શરારતો એ વખતે કરી લીધી છે. હું ઇમોશનલી ધમકાવતી હતી, જે ખરેખર ખરાબ હતું. મારામારી કરવી એ સારી વાત છે, પરંતુ ઇમોશનલી કોઈને ડરાવવું એ કિલર છે. એથી મારું માથું શરમથી નમી જાય છે. મેં સુપ્રિયા પાસે માફી માગી લીધી છે અને તેણે મને માફ પણ કરી દીધી છે.’

