રાની મુખરજીએ પતિ આદિત્ય ચોપડાના રોમૅન્ટિક સ્વભાવને આટલા માર્ક્સ આપ્યા
ફાઇલ તસવીર
હાલમાં રાની મુખરજીએ નેટફ્લિક્સના શો ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’માં હાજરી આપી હતી અને શોમાં તેણે પતિ આદિત્યને અત્યંત રોમૅન્ટિક અને સારા સ્વભાવની વ્યક્તિ ગણાવી છે.
શોમાં જ્યારે હોસ્ટ કપિલ શર્માએ રાનીને તેની લવ સ્ટોરી વિશે સવાલ કરતાં રાનીએ કહ્યું હતું કે ‘લગ્ન પછી શરૂઆતમાં આદિત્ય મને ઘણી સરપ્રાઇઝ આપતા હતા, પરંતુ પછી આ સિલસિલો બંધ થઈ ગયો. આદિત્ય જ્યારે સરપ્રાઇઝ આપવાનો પ્રયાસ કરતા ત્યારે વિચારતા કે રાની બહુ ખુશ થઈ જશે. જોકે હું જ્યારે ખુશ થવાનું નાટક કરતી હતી ત્યારે મારા ચહેરા પર એ ખુશી દેખાતી નહોતી. આખરે કંટાળીને આદિત્યએ કહી દીધું કે હવે સરપ્રાઇઝ આપવાનો પ્રયાસ નહીં કરું.’
શોમાં જ્યારે કપિલે પૂછ્યું કે આદિત્યને રોમૅન્ટિક હોવા માટે ૧૦માંથી કેટલા નંબર આપશો? તો રાણીએ મજાકમાં જવાબ આપ્યો કે ‘૧૦માંથી ૧૫ નંબર.’ આ પછી રાનીએ કહ્યું કે ‘લગ્ન માટે સૌથી મહત્ત્વની વસ્તુ વ્યક્તિનો સ્વભાવ છે. લગ્ન કરવાં હોય તો એવી વ્યક્તિ સાથે કરો જે સાચા અર્થમાં ખૂબ સારી વ્યક્તિ હોય. હા, તે પ્રોડ્યુસર તરીકે પણ કમાલના છે.’


