રણબીર કપૂર, સંજય દત્ત અને વાણી કપૂર તેમની આગામી ફિલ્મ ‘શમશેરા’નું ટ્રેલર ત્રણ શહેરોમાં જઈને લૉન્ચ કરવાનાં છે.

રણબીર, સંજય દત્ત અને વાણી ત્રણ શહેરમાં કરશે ‘શમશેરા’નું ટ્રેલર લૉન્ચ
રણબીર કપૂર, સંજય દત્ત અને વાણી કપૂર તેમની આગામી ફિલ્મ ‘શમશેરા’નું ટ્રેલર ત્રણ શહેરોમાં જઈને લૉન્ચ કરવાનાં છે. તેમની સાથે ફિલ્મનો ડિરેક્ટર કરણ મલ્હોત્રા પણ રહેશે. બાવીસ જુલાઈએ રિલીઝ થનારી આ ફિલ્મને આદિત્ય ચોપડાએ પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મ હિન્દી, તામિલ અને તેલુગુમાં રિલીઝ થવાની છે. ફિલ્મની સ્ટોરી એક ગુલામની છે જે અત્યાચાર સહન કરતાં-કરતાં નેતા બને છે અને બાદમાં પોતાના સમાજના કલ્યાણ માટે તેમનો લેજન્ડ બની જાય છે. ફિલ્મ વિશે રણબીર કપૂરે કહ્યું કે ‘હું ‘શમશેરા’નું પ્રમોશન કરવા માટે એક્સાઇટેડ છું. આ એક એવી ફિલ્મ છે જે અમે વધુ ને વધુ લોકો સુધી પહોંચાડવા માગીએ છીએ. ફિલ્મની માર્કેટ માટે, એના પર વધુ પ્રમાણમાં ચર્ચા થાય એ માટે અમે કંઈ પણ કરવા માટે તૈયાર છીએ. લોકો આ ફિલ્મ પર શું પ્રતિક્રિયા આપે છે એ જાણવા માટે આતુર છું.’
તો બીજી તરફ સંજય દત્તે કહ્યું કે ‘આ એક આઉટ ઍન આઉટ એન્ટરટેઇનર છે અને આપણી હિન્દી ફિલ્મોમાં જે પણ સારું છે જેને જોઈને અમે મોટા થયા છીએ એને સેલિબ્રેટ કરે છે.’
ત્રણ શહેરોમાં ટ્રેલર-લૉન્ચ કરવા વિશે વાણીએ કહ્યું કે ‘હું ત્રણ શહેરોમાં ‘શમશેરા’નું ટ્રેલર-લૉન્ચ કરવા માટે ઉત્સાહી છું, એના કારણે અમે ફૅન્સ અને દર્શકો સાથે વાતચીત કરી શકીએ. ટ્રેલરને ભવ્યતાથી રિલીઝ કરવામાં આવશે એથી આશા છે કે દરેકને ગમશે.’