રેખાની જ્વેલરી પ્રિયંકાએ ૨૦૧૮માં નિક જોનસ સાથેનાં તેનાં લગ્ન સમયે પહેરેલા નેકલેસ સાથે ગજબનું સામ્ય ધરાવતી હતી
રેખા, પ્રિયંકા ચોપડા
પ્રિયંકા ચોપડાના ભાઈ સિદ્ધાર્થ ચોપડાએ ૭ ફેબ્રુઆરીએ મુંબઈમાં અભિનેત્રી નીલમ ઉપાધ્યાય સાથે લગ્ન કર્યાં હતાં. આ લગ્નમાં નજીકના મિત્રો અને પરિવારજનો હાજર રહ્યા હતા. એ ઉપરાંત રેખા પણ નવદંપતીને આશીર્વાદ આપવા પહોંચી ગઈ હતી. પ્રિયંકાએ રેખા સાથે ૨૦૦૬માં આવેલી ‘ક્રિશ’માં કામ કર્યું હતું અને ત્યારથી બન્ને વચ્ચે સારા સંબંધ છે. હાલમાં આ લગ્નના ફોટો અને વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયા છે જેમાં રેખાના ફોટો અને વિડિયોએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે.
વિડિયોમાં રેખા ગોલ્ડન સાડીમાં સુંદર દેખાતી હતી અને તે નીલમ અને સિદ્ધાર્થને ઉમળકાભેર મળતી જોવા મળે છે. રેખા પ્રિયંકાની મમ્મી મધુ ચોપડાને મળીને દીકરાનાં લગ્ન માટે અભિનંદન આપતી પણ જોવા મળી હતી. આ ફંક્શનમાં રેખાએ પહેરેલો હીરાનો હાર ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. રેખાએ પ્રિયંકાના ભાઈનાં લગ્નમાં ડિઝાઇનર સબ્યસાચી મુખરજી જ્વેલરી કલેક્શનનો હીરાનો હાર પહેર્યો હતો. જોકે તેના ગળાનો હાર લોકોને પ્રિયંકાએ ૨૦૧૮માં નિક જોનસ સાથેનાં તેનાં લગ્નમાં પહેરેલા હારની યાદ અપાવતો હતો.

