પ્રિયંકા ચોપડાએ અબુ ધાબીની એક ઇવેન્ટમાં તેના સંઘર્ષ વિશે વાત કરી
પ્રિયંકા ચોપડા
પ્રિયંકા ચોપડાએ અબુ ધાબીમાં આયોજિત એક ઇવેન્ટમાં હાજરી આપી હતી જ્યાં તેણે પોતાની કરીઅરના પ્રારંભિક દિવસોની મુશ્કેલીઓ વિશે ખુલાસો કર્યો હતો.
પ્રિયંકાએ કહ્યું હતું કે ‘મેં જ્યારે મુંબઈમાં પગ મૂક્યો ત્યારે મારો રસ્તો સરળ નહોતો. એક સમય એવો પણ આવ્યો હતો જ્યારે મારી સતત છ ફિલ્મો ફ્લૉપ થઈ ગઈ હતી અને ત્યારે મને સમજાયું કે હવે કંઈક અલગ કરવું પડશે. આ પછી મને ફિલ્મ ‘ફૅશન’માં કામ કરવાની ઑફર મળી જેમાં બે લીડ હિરોઇન હતી. લોકોને લાગ્યું કે મારો સમય ખરાબ ચાલી રહ્યો છે એટલા માટે હું વુમન-બેઝ્ડ ફિલ્મ કરી રહી છું, પરંતુ ત્યાર બાદ બધું ઇતિહાસ બની ગયું, કારણ કે મેં એમાં મારું સર્વશ્રેષ્ઠ આપ્યું.’
ADVERTISEMENT
પોતાના અનુભવ જણાવતાં પ્રિયંકાએ વધુમાં કહ્યું હતું કે ‘એવું નથી કે અવસર સામે ચાલીને મારા દરવાજે આવ્યા હોય. ઘણી વાર સારી તકો મારી પાસેથી છીનવી લેવામાં આવી હતી. મારે જાતે મારા માટે અવસર ઊભા કરવા પડ્યા. અલગ વાર્તાવાળી ફિલ્મો અને રોલ મેળવવા માટે મારે સતત સંઘર્ષ કરવો પડ્યો. ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં કદાચ દરેક મહિલાની આવી જ કહાની છે. મેં મારી કરીઅર માટે ઘણો ત્યાગ કર્યો છે. પરિવાર સાથે સમય પસાર કરવાનો અને તહેવારો ઊજવવાનો મોકો ગુમાવ્યો, પણ દરેક વસ્તુનો પોતાનો સમય હોય છે. એ સમયે કામ પર ધ્યાન આપવાનું અને ત્યાગ કરવાનું જરૂરી હતું. જો મેં એવું ન કર્યું હોત તો આજે હું આ જગ્યા પર ન પહોંચી હોત.’


