શિવસેનાનાં સંસદસભ્ય પ્રિયંકા ચતુર્વેદીએ આ મુદ્દો સ્થાયી સમિતિમાં ઉઠાવ્યો છે. ૨૦૨૪ની ૧૪ માર્ચના દિવસે સૂચના અને પ્રસારણ મંત્રાલયે ૧૮ OTT પ્લૅટફૉર્મ બ્લૉક કરી દીધાં હતાં, કારણ કે એના પરથી અશ્લીલ સામગ્રીનું પ્રસારણ થતું હતું.
પ્રિયંકા ચતુર્વેદી
OTT પ્લૅટફૉર્મ પર દેખાડવામાં આવતી અશ્લીલ કન્ટેન્ટ અવારનવાર વિવાદનું કારણ બને છે અને સોશ્યલ મીડિયા પર લોકો પોતાનો ગુસ્સો વ્યક્ત કરે છે. હવે આવી જ એક અશ્લીલ કન્ટેન્ટના મામલે શિવસેના (ઉદ્ધવ ઠાકરે)નાં સંસદસભ્ય પ્રિયંકા ચતુર્વેદીએ આકરી પ્રતિક્રિયા આપી છે. હકીકતમાં એજાઝ ખાનના શો ‘હાઉસ અરેસ્ટ’ના એક અશ્લીલ સીનવાળી ક્લિપ સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ અને એની સામે અનેક યુઝર્સ તેમ જ પ્રિયંકા ચતુર્વેદીએ નારાજગી વ્યક્ત કરી છે.
આ વિવાદ પર પ્રતિક્રિયા આપતાં પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું છે કે ‘મેં સ્થાયી સમિતિમાં આ મુદ્દો ઉઠાવ્યો છે કે અશ્લીલ સામગ્રી માટે સૂચના અને પ્રસારણ મંત્રાલય દ્વારા જે પ્રતિબંધ લાદવામાં આવ્યો છે એમાંથી ઉલ્લુ ઍપ અને ઑલ્ટ બાલાજી જેવી ઍપ કઈ રીતે બચી ગઈ છે? હું હવે આના જવાબની રાહ જોઈ રહી છું. ૨૦૨૪ની ૧૪ માર્ચના દિવસે સૂચના અને પ્રસારણ મંત્રાલયે ૧૮ OTT પ્લૅટફૉર્મ બ્લૉક કરી દીધાં હતાં, કારણ કે એના પરથી અશ્લીલ સામગ્રીનું પ્રસારણ થતું હતું. જોકે એમાં બે મોટી ઍપ ઉલ્લુ અને ઑલ્ટ બાલાજીને બાકાત રાખવામાં આવી હતી. શું સૂચના અને પ્રસારણ મંત્રાલય દેશને બતાવશે કે આવો નિર્ણય કેમ લેવામાં આવ્યો હતો?’


