પ્રીતિએ તેનાં જોડિયાં બાળકો જય અને જિયા માટે નો ફોટો પૉલિસી અપનાવી છે
પ્રીતિ ૨૦૨૧માં સરોગસી દ્વારા જય અને જિયાની મમ્મી બની હતી
બૉલીવુડ-સેલિબ્રિટીઝે હવે પોતાનાં બાળકોની સુરક્ષા અને પ્રાઇવસી માટે શક્ય હોય ત્યાં સુધી તેમને દુનિયાની નજરથી દૂર રાખવાનો અભિગમ અપનાવ્યો છે. અનુષ્કા શર્મા-વિરાટ કોહલી, રાની મુખરજી, આલિયા ભટ્ટ, દીપિકા પાદુકોણ, રુબીના દિલૈક, પ્રિયંકા ચોપડા સહિત અન્ય કલાકારો પોતાનાં બાળકોનો ચહેરો કોઈને બતાવવા નથી માગતાં અને ફોટોગ્રાફર્સ તેમના ફોટો ક્લિક ન કરી જાય એની કાળજી રાખે છે. પ્રીતિ ઝિન્ટાએ પણ તેનાં જોડિયાં બાળકો જય અને જિયા માટે ‘નો ફોટો પૉલિસી’ અપનાવી છે. પ્રીતિ ૨૦૨૧માં સરોગસી દ્વારા જય અને જિયાની મમ્મી બની હતી અને તેણે ત્યારથી બાળકોનો ચહેરો છુપાવી રાખ્યો છે. હવે બાળકો થોડાં મોટાં થયાં છે ત્યારે પ્રીતિએ લોકોને વિનંતી કરી છે કે મારી પરવાનગી વિના મેરાં બાળકોના ફોટો ક્લિક ન કરે.
પ્રીતિ ઝિન્ટાએ હાલમાં ફૅન્સ સાથે સવાલ-જવાબનું સેશન પ્લાન કર્યું હતું. એ સેશનમાં એક ફૅને સવાલ કર્યો કે ‘ચાહકો તમારા વિશે કઈ એક વાત નથી જાણતા?’ એના જવાબમાં પ્રીતિએ જવાબ આપ્યો હતો કે ‘મને મંદિરોમાં, ફ્લાઇટમાંથી ઊતર્યા પછી સવારે-સવારે અને સિક્યૉરિટી-ચેક દરમ્યાન ફોટો ક્લિક કરાવવાનું બિલકુલ ગમતું નથી. આ બધી પરિસ્થિતિમાં તમે મારી પાસે આવીને ફોટો ક્લિક કરવાની પરમિશન માગશો તો એ મને ગમશે, પણ પરવાનગી વિના ફોટો લેવાનો અભિગમ મને બિલકુલ નથી ગમતો. એમાં પણ જો તમે મારાં બાળકોના ફોટો લઈ રહ્યા હો તો હું કાળકામાનું રૂપ લઈ લઇશ, નહીંતર હું ખૂબ ખુશમિજાજ વ્યક્તિ છું. મહેરબાની કરીને મારી પરવાનગી વિના વિડિયો ન બનાવતા. ખરેખર એ ત્રાસદાયક છે. તમે આરામથી મારી પરમિશન લો અને મહેરબાની કરીને બાળકોને છોડી દેજો.’


