વિવાદને પગલે લવ કુશ રામલીલામાંથી પૂનમ પાંડેને પડતી મુકાઈ
પૂનમ પાંડે
તાજેતરમાં જાહેરાત થઈ હતી કે દિલ્હીની પ્રખ્યાત લવ કુશ રામલીલામાં રાવણની પત્ની મંદોદરીનો રોલ ભજવવા માટે વિવાદાસ્પદ અભિનેત્રી પૂનમ પાંડેની પસંદગી કરવામાં આવી છે. આટલા મહત્ત્વના રોલ માટે પૂનમની પસંદગી સામે અનેક સાધુ-સંતો અને વિશ્વ હિન્દુ પરિષદે વિરોધ વ્યક્ત કર્યો હતો. હવે લવ કુશ રામલીલા કમિટીએ વિવાદ વધતાં લવ કુશ રામલીલામાંથી પૂનમ પાંડેને પડતી મૂકી છે.
આ મામલે કમિટીના અધ્યક્ષ અર્જુન કુમારે નિવેદન આપ્યું છે કે તેઓ કોઈની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા માગતા નથી. હવે કમિટી પૂનમ પાંડેને પત્ર લખીને આ પાત્ર ન ભજવવાની રિક્વેસ્ટ કરશે. કમિટીએ કહ્યું કે ‘પૂનમ પાંડે મંદોદરીનું પાત્ર નહીં ભજવે, કારણ કે ધાર્મિક ભાવનાઓને ઠેસ ન પહોંચવી જોઈએ. હવે કમિટી આ મામલે પૂનમને પત્ર લખશે. અમારી ઇચ્છા હતી કે તે આ પાત્ર ભજવે. આ એક પૉઝિટિવ રોલ હતો, પરંતુ સ્ક્રીનિંગ કમિટીએ નિર્ણય લીધો છે કે આ વખતે પૂનમ પાંડે પાત્ર નહીં ભજવે.’
ADVERTISEMENT
આ જાહેરાત પછી વિશ્વ હિન્દુ પરિષદે લવ કુશ રામલીલા સમિતિ દ્વારા લેવાયેલા નિર્ણયનું સ્વાગત કર્યું છે અને કહ્યું છે કે ધર્મ હંમેશાં મર્યાદાનું રક્ષણ કરે છે અને આ સર્વમાન્ય સત્ય છે કે અશ્લીલતા હંમેશાં મર્યાદાનું ઉલ્લંઘન કરે છે. અયોધ્યાના સાધુ-સંતોએ પણ લવ કુશ કમિટી પાસેથી માગણી કરી હતી કે પૂનમ પાંડેના વિવાદો અને કાર્યને જોતાં રામલીલામાં મહત્ત્વનું પાત્ર આપવું ખોટું છે.
પૂનમ પાંડેને નવરાત્રિ દરમ્યાન વ્રત રાખવાનો નિર્ણય ન ફળ્યો
લવ કુશ રામલીલામાં પૂનમ પાંડેને મંદોદરીના રોલ માટે પસંદ કરવામાં આવતાં ભારે વિવાદ થયો હતો. આ સંજોગોમાં પૂનમે સોશ્યલ મીડિયામાં એક વિડિયો પોસ્ટ કર્યો હતો અને પોતાની લાગણી વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘દિલ્હીના લાલ કિલ્લામાં થતી વર્લ્ડ-ફેમસ લવ કુશ રામલીલાના પ્લેમાં મને મંદોદરીનું પાત્ર ભજવવાનો અવસર મળ્યો છે. હું ખૂબ જ વધુ ખુશ છું. આ અત્યંત મહત્ત્વની ભૂમિકા છે. મેં નક્કી કર્યું છે કે હું આખી નવરાત્રિ દરમ્યાન વ્રત રાખીશ જેથી મનથી અને તનથી વધુ શુદ્ધ રહીને આ સુંદર પાત્રને બહેતર રીતે ભજવી શકું. જય શ્રીરામ, રામલીલામાં મળીશું.’ જોકે તેને રામલીલામાંથી પડતી મુકાઈ હોવાને કારણે કહી શકાય કે પૂનમને નવરાત્રિ દરમ્યાન વ્રત રાખવાનો નિર્ણય ફળ્યો નથી.


