પંકજ ત્રિપાઠી સામે કોઈ પ્રૉબ્લેમ નથી, પણ જે પ્રકારે પહેલી ફિલ્મમાં પરેશ સરે જે પર્ફોર્મ કર્યું હતું એ આજે પણ આંખ સામે છે
ફાઇલ તસવીર
આ શુક્રવારે ડબલ ધમાકા છે. ‘ગદર 2’ આવશે અને સાથે ‘OMG 2’ પણ રિલીઝ થશે. પહેલાં વાત કરીએ ‘ગદર 2’ની. પહેલી ફિલ્મ આજથી બાવીસ વર્ષ પહેલાં રિલીઝ થઈ હતી અને હવે છેક એની સીક્વલ આવે છે, પણ એમ છતાં ‘ગદર’ની પૉપ્યુલરિટી જુઓ, તમને ફિલ્મ કે પછી તારાસિંહ બનેલા સની દેઉલ, તેનું ઝનૂન, એ રોફ અને પાકિસ્તાન પ્રત્યેનો તેનો આક્રોશ ક્યાંય જૂની વાત જેવાં નથી લાગતાં. ફિલ્મનાં ગીતો પણ એટલાં જ પૉપ્યુલર થયાં હતાં કે એમાં પણ એવું નથી લાગતું કે આપણે એ વાત હવે બાવીસ વર્ષ પછી જોઈશું. બાવીસ વર્ષ પછી એ સ્ટોરીને ફરી કનેક્ટ કરવાનું કામ દેખાય છે એટલું સહેલું નહીં જ હોય, પણ એ સાંભળો તો તરત જ એમ થાય કે આટલી સહેલી અને સરળ વાત લાવવામાં મેકર્સે કેમ આટલો સમય લીધો.
તારાસિંહ હવે પોતાની ફૅમિલી સાથે રહે છે અને બન્નેને એક દીકરો છે. આ દીકરો આર્મી જવાન છે. ૧૯૭૦ના વૉરની વાત છે અને એ પિરિયડમાં કોઈ ઘટનાને કારણે તારાસિંહના દીકરાને પાકિસ્તાન આર્મી પકડી જાય છે. નૅચરલી તારાસિંહ પહેલાં બધી ટ્રાય કરે છે કે તેના દીકરાને સરકાર પાછો લાવે, પણ ક્યાંયથી સફળતા નથી મળતી એટલે હવે તારાસિંહ નક્કી કરે છે કે તે પોતે પાકિસ્તાન જશે અને દીકરાને પાછો લઈ આવશે. પાકિસ્તાન જવું અને ફૅમિલી માટે પાકિસ્તાન જવું એ મેઇન લાઇન હોવાને લીધે બની શકે કે આપણને ‘ગદર 2’ પછી આ સિરીઝની ત્રીજી ફિલ્મ લાંબા સમય સુધી જોવા ન મળે. આવું જ પરેશ રાવલમાં પણ બની શકે છે.
ADVERTISEMENT
પરેશ સરની ઍક્ટિંગ જોવી એ લહાવો છે, પણ આ લહાવો આ વખતે આપણને ‘OMG 2’માં જોવા નહીં મળે. પરેશ સરને બદલે આ વખતે પંકજ ત્રિપાઠી ઉમેરાયા છે. ફિલ્મની વાત કરતાં પહેલાં પરેશ સરની વાત કરવી જ રહી.
પંકજ ત્રિપાઠી સામે કોઈ પ્રૉબ્લેમ હોઈ જ ન શકે, બહુ સારા ઍક્ટર છે, પણ પરેશ સરે જે રીતે ‘OMG’ (‘ઓહ માય ગૉડ’)માં કૅરૅક્ટર નિભાવ્યું હતું, જે રીતે કાનજી બહાર આવ્યો હતો એ તમે કોઈ હિસાબે ભૂલી ન શકો. પરેશભાઈ રીતસર સ્ક્રીન ખાઈ જતા હતા. એ સમયે પરેશ રાવલનું કૅરૅક્ટર નાસ્તિકનું હતું, પણ આ વખતે ‘OMG 2’માં મેઇન પ્રોટોગોનિસ્ટ એવા પંકજ ત્રિપાઠીનું કૅરૅક્ટર આસ્તિકનું છે. તે ભગવાનમાં અખૂટ શ્રદ્ધા ધરાવે છે અને એ શ્રદ્ધાને સાચી પુરવાર કરવા માટે જ ભગવાન પૃથ્વી પર આવે છે એ પ્રકારની વાત ફિલ્મમાં છે. હવે તો બધાને ખબર જ છે કે ફિલ્મનો ટૉપિક સેક્સ એજ્યુકેશન અને મૅસ્ટરબેશનને લગતો છે, પણ ‘OMG’ જેવી સુપરહિટ ફ્રૅન્ચાઇઝીમાં આ પ્રકારના ટૉપિકને લાવવામાં ન આવ્યો હોત તો વધારે સારું થયું હોત એવું પર્સનલી મારું માનવું છે.
‘OMG’ને કારણે એક ચોક્કસ ક્લાસ એવો ઊભો થયો હતો જે ભગવાનમાં વિશ્વાસ ધરાવતો થયો હતો, તો એક ક્લાસ એવો ઊભો થયો હતો જેણે ભગવાનની ભક્તિના નામે ચાલતાં ધતિંગનો રીતસરનો વિરોધ શરૂ કર્યો હતો અને એ એક જ્વાળા બની ગઈ હતી. અમુક યંગસ્ટર્સ મંદિરની બહાર ઊભા રહીને લોકોને સમજાવતા હતા કે આ દૂધનો અભિષેક કરવાને બદલે એ કોઈ ગરીબનાં બાળકોને આપો, જેથી તેને પોષણ મળે. કહેવાનો અર્થ એ કે ‘OMG’એ એક એવી ક્રાન્તિ લાવવાનું કામ કર્યું હતું જે જોઈને પેરન્ટ્સથી માંડીને સોસાયટીના વડીલો સુધ્ધાં બહુ રાજી થતા, પણ હવે ‘OMG 2’માં સેક્સ એજ્યુકેશન જેવા ટૉપિકને લઈને એવી વિચિત્ર હાલત ઊભી કરી દીધી છે કે આ ફિલ્મ જોઈ આવનારો પણ એના વિશે વધારે વાત કરતાં અચકાશે.
સેક્સ આપણે ત્યાં એક ટેબુ છે અને એ ટેબુ ત્યારે જ દૂર થઈ શકે જ્યારે સેક્સને નૉર્મલ પ્રક્રિયા તરીકે લેવાનું-જોવાનું શરૂ થાય. આપણે ત્યાં એવું નથી થવાનું. ઍટ લીસ્ટ, આવતાં અમુક વર્ષો સુધી તો એ નહીં જ થાય. જ્યાં સુધી અત્યારે ઓલ્ડ જનરેશન છે ત્યાં સુધી આ ટેબુ અકબંધ રહેવાનું છે. એમાં વાંક આપણી ઓલ્ડ જનરેશનનો પણ નથી, વાંક છે માનસિકતાનો અને આ માનસિકતા દૂર કરવા માટે માત્ર ફિલ્મ કામ નહીં લાગે. બહુ બધી જગ્યાએથી એકસાથે કામ કરવું પડશે. જો તમે એ કામ એકસાથે કરશો તો અને તો જ આ પ્રકારની ફિલ્મની જરૂરિયાત નહીં રહે.
ક્યારે?
જો એકસાથે કામ કરવામાં આવશે તો અને તો જ, બાકી એટલું નક્કી કે ‘OMG 2’ જોઈ આવનારો મોટા ભાગે સામે આવીને સ્વીકારશે નહીં કે તેણે ફિલ્મ જોઈ લીધી અને ‘ગદર 2’ જોઈ આવનારો ઊછળી-ઊછળીને લખશે, ‘મૈં નિકલા ગડ્ડી લેકે...’


