પરેશ રાવલની કૉમેડી ફિલ્મ ‘આંખ મિચોલી’ ૨૭ ઑક્ટોબરે થિયેટરમાં રિલીઝ થવાની છે

૨૭ ઑક્ટોબરે ‘આંખ મિચોલી’ લઈને આવશે પરેશ રાવલ
પરેશ રાવલની કૉમેડી ફિલ્મ ‘આંખ મિચોલી’ ૨૭ ઑક્ટોબરે થિયેટરમાં રિલીઝ થવાની છે. ફિલ્મને ઉમેશ શુક્લએ ડિરેક્ટ કરી છે. ઉમેશ શુક્લ અને આશિષ વાઘના મૅરી ગો રાઉન્ડ સ્ટુડિયોઝે સોની પિક્ચર્સ ઇન્ટરનૅશનલ પ્રોડક્શન્સ સાથે મળીને એને પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મમાં પરેશ રાવલ સાથે મૃણાલ ઠાકુર, શરમન જોષી, અભિમન્યુ દાસાણી, અભિષેક બૅનરજી, દર્શન જરીવાલા, વિજય રાઝ અને દિવ્યા દત્તા પણ જોવા મળશે. ફિલ્મની સ્ટોરી ભારતીય લગ્નની આસપાસ ફરશે. એમાં બન્ને પરિવાર વચ્ચે જે પાગલપંતી દેખાડવામાં આવશે એનાથી દર્શકોને ઇમોશન, ડ્રામા અને કૉમેડી જોવા મળશે. ઉમેશ શુક્લએ ‘ઑહ માય ગૉડ’ અને ‘102 નૉટ આઉટ’ જેવી ફિલ્મો બનાવી છે. ‘આંખ મિચોલી’ વિશે ઉમેશ શુક્લએ કહ્યું કે ‘અમે આ ફિલ્મને દિલથી બનાવી છે. સાથે જ આ ફિલ્મને થિયેટરમાં લઈ આવવી એ કોઈ પણ ફિલ્મમેકર માટે ખુશીની બાબત હોય છે. આ એક પારિવારિક ફિલ્મ છે, જેને લોકો સાથે બેસીને જોઈ શકાશે. આશા છે કે લોકો આ ફિલ્મને પ્રેમ કરે. હું દરેકને હસતા જોવા માગું છું.’