સર્જનાત્મક મતભેદોને કારણે પરેશ રાવલે આ ફિલ્મ છોડી દીધી હોવાની ચર્ચા. ‘હેરાફેરી’ સિરીઝની પહેલી ફિલ્મ ૨૦૦૦માં અને બીજી ‘ફિર હેરાફેરી’ ૨૦૦૬માં રિલીઝ થઈ હતી અને હવે ત્રીજી ફિલ્મ બનાવવાનું પ્લાનિંગ ચાલી રહ્યું છે.
પરેશ રાવલ
અક્ષયકુમાર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલની સુપરહિટ કૉમેડી ફ્રૅન્ચાઇઝી ‘હેરાફેરી 3’ને લઈને ચોંકાવનારા સમાચાર આવ્યા છે. ફિલ્મના ડિરેક્ટર પ્રિયદર્શને જાન્યુઆરી ૨૦૨૫માં જાહેરાત કરી હતી કે આ સિરીઝનો ત્રીજો ભાગ બનાવવાની સત્તાવાર રીતે શરૂઆત થઈ છે અને એમાં ફરી અક્ષયકુમાર, પરેશ રાવલ અને સુનીલ શેટ્ટીની ત્રિપુટી જોવા મળશે. જોકે હવે સમાચાર છે કે પરેશ રાવલે આ ત્રીજા ભાગમાં કામ કરવાની ના પાડી દીધી છે. આ સમાચાર સાંભળીને લોકોને આંચકો લાગ્યો છે, કારણ કે પરેશ રાવલે ભજવેલું બાબુરાવ ગણપતરાવ આપ્ટેનું કૅરૅક્ટર લોકોનું ફેવરિટ હતું. પરેશ રાવલે પણ આ સમાચાર સાચા હોવાનું સ્વીકાર્યું છે.
આ ફિલ્મ સાથે સંકળાયેલી વ્યક્તિએ માહિતી આપી છે કે ‘પરેશ રાવલ ‘હેરાફેરી 3’માં કામ કરવા માટે તૈયાર હતા, પણ શૂટિંગ દરમ્યાન સર્જનાત્મક મતભેદો થવાને કારણે તેમણે હવે આ ફિલ્મમાં કામ ન કરવાનો નિર્ણય લીધો છે. આ ફિલ્મનું જ્યારે પ્લાનિંગ થયું હતું ત્યારે એમાં અક્ષયકુમાર નહોતો પણ પછીથી તેણે આ ફિલ્મમાં કામ કરવાની હા પાડી દીધી હતી. હવે પરેશ રાવલને સમસ્યા છે, પણ આશા છે કે તેઓ પણ આ ફિલ્મમાં કામ કરવા માટે આખરે માની જશે.’
‘હેરાફેરી’ સિરીઝની પહેલી ફિલ્મ ૨૦૦૦માં અને બીજી ‘ફિર હેરાફેરી’ ૨૦૦૬માં રિલીઝ થઈ હતી અને હવે ત્રીજી ફિલ્મ બનાવવાનું પ્લાનિંગ ચાલી રહ્યું છે.

