સ્ટાર્સની ભારે ફી બાબતે ફિલ્મમેકર્સને મનોજ બાજપાઈની સલાહ
મનોજ બાજપાઈ
બૉલીવુડમાં સ્ટાર્સની ફીને લઈને ખૂબ ચર્ચા થઈ રહી છે. એ વિશે હવે મનોજ બાજપાઈએ ફિલ્મમેકર્સને સલાહ આપી છે કે જાહેરમાં બોલવાનો કોઈ અર્થ નથી, એના કરતાં ફી બાબત સ્ટાર્સ સાથે જ સીધી ચર્ચા કરવી જોઈએ. મનોજ બાજપાઈએ એમ પણ જણાવ્યું કે ફિલ્મમેકિંગના પૅશનને જોતાં એવી અનેક ફિલ્મોમાં પણ કામ કર્યું છે જ્યારે તેને વૅનિટી વૅનની પણ સગવડ નહોતી મળી. થોડા સમય પહેલાં ફારાહ ખાન કુંદરે જણાવ્યું હતું કે કેટલાક સ્ટાર્સને જ્યાં સુધી ચાર વૅનિટી વૅન ન મળે ત્યાં સુધી તો તેઓ શૂટિંગ પણ શરૂ નથી કરતા. હવે એ વિશે પ્રોડ્યુસરોને સલાહ આપતાં મનોજ બાજપાઈ કહે છે, ‘જે પ્રોડ્યુસરો ફરિયાદ કરે છે તેઓ હંમેશાં મોટા સ્ટાર્સ સાથે જ ફિલ્મો બનાવે છે. તેઓ ફિલ્મને ભવ્ય બનાવવા માટે બજેટ પણ મોટું રાખે છે. મોટા સ્ટાર પોતાના સ્ટારડમના હિસાબે ફી લે છે. તમારા બજેટ પ્રમાણે તેઓ ફી ઘટાડે એવી અપેક્ષા તમે ન રાખી શકો. જો તમારે એ સ્ટારનો ફિલ્મમાં લાભ લેવો હોય પરંતુ બજેટ ઓછું રાખવું હોય તો તેની સાથે સીધી વાત કરવી જોઈએ. જાહેરમાં ફરિયાદ કરવાથી કાંઈ નહીં મળે. માત્ર ચર્ચા દ્વારા જ યોગ્ય સમાધાન મળી શકશે. કોઈએ મને ફી ઘટાડવા નથી કહ્યું, કારણ કે મારી ફી વાજબી છે. અમે ૩૫-૪૦ દિવસમાં ફિલ્મ પૂરી કરીએ છીએ અને એમાં દરેક જણ સંતુષ્ટ પણ હોય છે.’

