મણિકર્ણિકા ઘાટને ડેવલપ કરવાની વાતથી સ્વાભાવિક રીતે સનાતનીઓમાં અત્યંત ઉત્સાહ પ્રસરી ગયો હતો, પણ થોડા સમય પહેલાં કેટલાક ફોટોગ્રાફ્સ અને માહિતી સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ અને લોકોની આંખો લાલ થઈ ગઈ.
મણિકર્ણિકા ઘાટ
દુનિયાના મહાસ્મશાન તરીકે પ્રખ્યાત થયેલા વારાણસીના આ ઘાટના પુનર્વિકાસનું કામ શરૂ થયું એટલે કેટલાક ટીખળખોરોએ સનાતન ભાવનાને ઠેસ પહોંચાડવા AI જનરેટેડ ફોટો તૈયાર કરી સોશ્યલ મીડિયા પર વાઇરલ કર્યા અને ઉત્તર પ્રદેશ સરકાર અને પોલીસ હરકતમાં આવી. ટીખળખોરોની થઈ રહેલી અરેસ્ટ વચ્ચે મણિકર્ણિકા ઘાટનો પુરાણકાળ, વર્તમાન અને પુનર્વિકાસ પછી સર્જાનારો ભવિષ્યકાળ જાણવા જેવો છે
ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનો જન્મ આ ઘાટની નજીક થયો હતો. આ ઘાટ પરથી જ તેમનું નામ મણિકર્ણિકા રાખવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
મોક્ષનો માર્ગ કહેવાતો મણિકર્ણિકા ઘાટ માત્ર એક સ્મશાનઘાટ નથી પણ મૃત્યુ પામનારાથી માંડીને ડાઘુઓ સુધ્ધાં માટે એક અનુભવ માનવામાં આવ્યો છે. વારાણસીનો આ ઘાટ છેલ્લા થોડા સમયથી વિવાદમાં આવ્યો છે અને એ વિવાદનું કારણ છે આ ઐતિહાસિક ઘાટનો કાયાકલ્પ કરવાનો રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ. આ કામ શરૂ થઈ ગયું છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ તરીકે જોવામાં આવતા કાશી વિશ્વનાથ કૉરિડોર પછી મણિકર્ણિકા ઘાટને આધુનિક અને સુવિધાસભર બનાવવાનું આ જે કામ છે એમાં ઘાટ પર ત્રણ ફ્લોરનું આધુનિક ભવન બનાવવાનું છે તો સાથોસાથ ત્યાં અગ્નિસંસ્કાર માટે અલગ-અલગ પ્લૅટફૉર્મ પણ બનાવવામાં આવશે. એ ઉપરાંત અગ્નિસંસ્કાર માટે આવેલા પરિવારજનો માટે બેસવાની વ્યવસ્થા અને વેઇટિંગ એરિયા બનશે તો સ્નાન માટે કુંડ અને આધુનિક શૌચાલય પણ બનાવવામાં આવશે.
મણિકર્ણિકા ઘાટ પર શાસ્ત્રોક્ત પદ્ધતિથી અગ્નિસંસ્કાર આપવામાં આવે છે એટલે લાકડાંની સતત ડિમાન્ડ રહે છે જેને લીધે લાકડાંનો સંગ્રહ મોટા પાયે કરવાનો હોય છે. લાકડાંના સંગ્રહ માટે અલગ વ્યવસ્થા ઊભી કરવી એ પણ આ પ્રોજેક્ટમાં સામેલ છે તો શબવાહિનીઓ અને મુલાકાતીઓ માટે અત્યારે જે એક માર્ગ છે એ માર્ગને બદલે બન્ને માટે અલગ-અલગ રસ્તા બનાવવાનું આયોજન પણ છે.
સૌથી મજાની વાત એ છે કે મણિકર્ણિકા ઘાટનો હેરિટેજ લુક અકબંધ રહે એ માટે કાશીની પ્રાચીન સ્થાપત્ય નાગર શૈલી મુજબ જ એને ડિઝાઇન કરવામાં આવશે જેથી એની પૌરાણિક ભવ્યતા અકબંધ રહે.

રીડેવલપમેન્ટ પછી મણિકર્ણિકા ઘાટ કેવો બનશે એની બ્લુ પ્રિન્ટ.
મણિકર્ણિકા ઘાટના આધુનિકીકરણ પાછળ આશરે ૧૮ કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે અને એ ઉત્તર પ્રદેશ સરકારની તિજોરીને બદલે કૉર્પોરેટ સોશ્યલ રિસ્પૉન્સિબિલિટી ફન્ડમાંથી કરવામાં આવશે જેમાં મુખ્યત્વે ફન્ડ રૂપા ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવ્યું છે તો અન્ય કંપનીઓ પણ એમાં સામેલ છે.
કુલ ચાર તબક્કામાં થનારા આ ડેવલપમેન્ટમાં પ્રથમ તબક્કામાં ૩૦૦૦ ચોરસ મીટર જમીન પર કામ થશે અને પછીના ત્રણ તબક્કામાં આશરે ૩૯,૩૫૦ ચોરસ મીટર જેટલા વિસ્તારનું કામ હાથમાં લેવામાં આવશે.
મણિકર્ણિકા ઘાટને ડેવલપ કરવાની વાતથી સ્વાભાવિક રીતે સનાતનીઓમાં અત્યંત ઉત્સાહ પ્રસરી ગયો હતો, પણ થોડા સમય પહેલાં કેટલાક ફોટોગ્રાફ્સ અને માહિતી સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ અને લોકોની આંખો લાલ થઈ ગઈ.
શું છે એ માહિતી?
વારાણસીના મણિકર્ણિકા ઘાટ પર ચાલી રહેલા પુનઃ વિકાસ પ્રોજેક્ટને લઈને જબરદસ્ત વિવાદ અને રાજકીય આક્ષેપબાજી શરૂ થઈ ગઈ છે. સોશ્યલ મીડિયા પર ફોટો અને વિડિયો વાઇરલ કરીને દાવો કરવામાં આવ્યો કે વિકાસના નામે પ્રાચીન મૂર્તિઓ અને મંદિરો તોડવામાં આવે છે. વાઇરલ થયેલી પોસ્ટમાં રાણી અહિલ્યાબાઈ હોળકર દ્વારા સ્થાપવામાં આવલી મૂર્તિ અને એક જૂની ‘મઢી’ એટલે કે પ્લૅટફૉર્મને નુકસાન પહોંચાડવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

બુલડોઝરથી કાર્યવાહી કરવામાં આવી એનો સાધુ-સંતોએ વિરોધ કર્યો.
ન્યુઝ વાઇરલ થતાં જ કૉન્ગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને પાર્ટીએ આક્ષેપ કર્યો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મતવિસ્તારમાં હેરિટેજ સાથે ચેડાં થઈ રહ્યાં છે અને સનાતન સંસ્કૃતિનાં પ્રતીકોને બુલડોઝરથી તોડવામાં આવી રહ્યાં છે એ પછી પણ મોદી ચૂપ છે. કૉન્ગ્રેસની સાથે સાધુ-સંતો પણ જોડાયા. તેમણે મુદ્દો બુલડોઝર સામે ઉઠાવ્યો કે આવી પવિત્ર જગ્યાએ આવાં વાહનોનો ઉપયોગ ન થવો જોઈએ, એ આસ્થાને હાનિ પહોંચાડે છે.
કોણ-કોણ મોક્ષ પામ્યું?
જો નામ કહેવાનાં હોય તો સૌથી પહેલાં રાજા હરિશ્ચંદ્રનું નામ લેવું પડે. પૌરાણિક કાળમાં સત્યવાદી રાજા હરિશ્ચંદ્રએ અહીં જ સ્મશાનમાં રખેવાળી કરી હતી અને તેમના અગ્નિસંસ્કાર પણ આ જગ્યાએ થયા હતા. અલબત્ત, એ પછી કાશીમાં હરિશ્ચંદ્રના નામે પણ ઘાટ બન્યો છે. પ્રખ્યાત શાસ્ત્રીય ગાયિકા અને ઠૂમરીનાં મહારાણી ગિરિજાદેવીના અંતિમ સંસ્કાર મણિકર્ણિકા ઘાટ પર સંપન્ન થયા હતા તો બનારસ સ્ટેટના મહારાજાઓ અને ભારતભરના અનેક નામી સંતોના અંતિમ સંસ્કાર પણ આ ઘાટના પવિત્ર અગ્નિમાં થયા છે. અમિતાભ બચ્ચને તેમના પપ્પા હરિવંશરાય બચ્ચનનાં અસ્થિનું વિસર્જન મણિકર્ણિકા ઘાટ પર કર્યું હતું.
વહેતી ગંગામાં હાથ ધોવાનું કોણ છોડે?
ગોકીરો મચી ગયો અને ઉત્તર પ્રદેશ સરકારને લાગ્યું કે હવે આમાં ઇન્વૉલ્વ થવું પડશે એટલે એણે ઇન્ક્વાયરી શરૂ કરાવી. એ ઇન્ક્વાયરી પછી વારાણસી પોલીસે દાવો કર્યો કે સોશ્યલ મીડિયા પર આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) દ્વારા બનાવવામાં આવેલા ફોટોગ્રાફ્સ શૅર કરીને લોકોની ધાર્મિક લાગણીને હાનિ પહોંચાડવાની કોશિશ થઈ રહી છે. ઇન્ક્વાયરી આગળ વધી અને વારાણસી પોલીસે આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહ અને પપ્પુ યાદવ સહિત ૮ લોકો સામે ફરિયાદ નોંધી. સ્વાભાવિક રીતે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ પણ સામે આવ્યા અને તેમણે પ્રેસ-કૉન્ફરન્સ કરીને જાહેર કર્યું કે આ કાશીને બદનામ કરવાનું ષડ્યંત્ર છે. તેમણે સ્પષ્ટતા કરી કે ઘાટ પર એક પણ મંદિર તોડવામાં નથી આવ્યું અને જર્જરિત મઢીઓને હટાવીને મૂર્તિઓને સાવધાનીથી અને એક્સપર્ટ દ્વારા બહાર કાઢવામાં આવી છે જે અત્યારે ભારત સરકારના પુરાતત્ત્વ વિભાગ પાસે સલામત રાખવામાં આવી છે, કામ પૂર્ણ થયા પછી એ જ મૂર્તિઓને સ્થાપિત કરવામાં આવશે.

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સથી ડિમોલિશનની અને ખંડિત મૂર્તિઓની તસવીરો બનાવીને વાઇરલ કરવામાં આવી એને પગલે તંગદિલી વ્યાપી ગઈ હતી.
વિવાદ થોડો શમ્યો, પણ શમેલા વિવાદ વચ્ચે નવેસરથી એ વાત ઊખડી કે મણિકર્ણિકા ઘાટ પર હકીકતમાં થવાનું છે શું?
વિકાસના પંથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હાથે ૨૦૨૩ના જુલાઈમાં આ આખા પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. એવું અનુમાન કરવામાં આવે છે કે સાડાત્રણ વર્ષ ચાલનારો આ પ્રોજેક્ટ આ વર્ષે ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થશે.
આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ વર્ષોજૂની અગવડ દૂર કરી શ્રદ્ધાળુઓ માટે આધુનિક સુવિધા ઊભી કરવાનો છે. ચાર તબક્કામાં ડેવલપ થનારા આ પ્રોજેક્ટમાં મલ્ટી-લેવલ પ્લૅટફૉર્મ સુવિધા ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવશે. આ વાતને સરળ શબ્દોમાં સમજાવવાની હોય તો કહેવું પડે કે મણિકર્ણિકા ઘાટ પર અગ્નિસંસ્કાર માટે અલગ-અલગ લેવલ એટલે કે માળ બનાવવામાં આવશે, જેમાં કુલ ૧૮થી ૩૬ જેટલાં વ્યવસ્થિત અગ્નિસંસ્કાર માટેનાં સ્થળ હશે. આ જે લેવલ બનશે એમાં માત્ર નીચેના ભાગમાં જ નહીં પણ ઉપરના માળ પર પણ અગ્નિસંસ્કારની વ્યવસ્થા હશે, જેથી પૂર જેવી પરિસ્થિતિમાં અગ્નિસંસ્કાર અટકે નહીં.
અગાઉ અનેક વખત એવું બન્યું છે કે મણિકર્ણિકા ઘાટ પર જ અગ્નિસંસ્કારનો આગ્રહ રાખનારા પરિવારજનોએ તેમના પ્રિયજનના અંતિમ સંસ્કાર માટે અઠવાડિયાંઓ સુધી રાહ જોઈ હોય અને ન્યુઝપેપરમાં મૃતદેહની લાંબી લાઇનના ફોટોગ્રાફ્સ છપાયા હોય.
મણિકર્ણિકા ઘાટના થનારા નવા ડેવલપમેન્ટની કેટલીક વાતો તો આગળ કરી છે પણ એમાં જે વાત કહેવાની બાકી રહી છે એની જ આપણે અત્યારે ચર્ચા કરીશું.
મણિકર્ણિકા ઘાટ પર ખાસ ગૅલરી બનાવવામાં આવશે જે VIP વ્યુઇંગ એરિયા હશે અને જ્યાંથી ગંગા આરતી અને ઘાટનું દૃશ્ય જોઈ શકાશે, તો VIPના અંતિમ સંસ્કાર સમયે તેમના પરિવારજનોને અહીં બેસાડવામાં આવશે. એ ઉપરાંત અન્ય મૃત્યુ પામનારાઓના પરિવારજનો માટે પણ બેસવાની અને આરામ કરવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે.
અત્યારે અહીં યાત્રાળુઓ માટે કોઈ પ્રકારની સિવિક સુવિધા નથી, પણ હવે અહીં યાત્રી સુવિધા કેન્દ્ર બનશે જેમાં શૌચાલય, પીવાનું શુદ્ધ પાણી, કપડાં બદલવાની રૂમ અને સ્નાન માટેના કુંડની આધુનિક વ્યવસ્થા હશે.
મણિકર્ણિકા ઘાટ પર સ્લોપ અને રૅમ્પ પણ તૈયાર કરવામાં આવશે જેને લીધે વૃદ્ધો અને દિવ્યાંગો પણ સરળતાથી ઘાટ સુધી પહોંચી શકે. આ બધું વાંચીને-જાણીને જો તમને એમ થાય કે આ ઘાટનું આટલું મહત્ત્વ શું કામ છે તો તમારો એ પ્રશ્ન બિલકુલ વાજબી છે.
મણિકર્ણિકા ઘાટ દુનિયાભરમાં મહાસ્મશાન તરીકે ઓળખાય છે. પૂર અને ભારે વરસાદ જેવા સમયને બાદ કરતાં આ ઘાટ ૨૪ કલાક સાતેસાત દિવસ સતત લોકોને મુક્તિ આપવાનું કામ કરે છે. આ સ્તરે ઍક્ટિવ સ્મશાનઘાટ આ દુનિયામાં બીજે ક્યાંય નથી. નવા બનનારા આ ઘાટ પર એકસાથે ૧૯ મૃતદેહોની અંતિમવિધિ થઈ શકશે.
એવું તે શું છે કે મણિકર્ણિકા ઘાટને મોક્ષનો માર્ગ માનવામાં આવે છે?
જવાબ પૌરાણિક વાતોમાં છે અને એ પણ બહુ રોચક રીતે.
મહાદેવને રોકવા માટે મણિકર્ણિકા ઘાટ પાછળની પૌરાણિક કથા સાંભળવી હોય તો સૌથી પહેલાં આ જે શબ્દ છે મણિકર્ણિકા એનો અર્થ સમજી લેવો પડે. મણિ એટલે રત્ન અને કર્ણિકા એટલે કાનમાં પહેરવાનું આભૂષણ.
એવું કહેવાય છે કે ભગવાન શિવ અને માતા પાર્વતી કાશીભ્રમણ કરતાં આ ઘાટ પર રોકાયાં હતાં. પાર્વતીજી થાકી ગયાં હતાં એટલે તેઓ ઘાટ પર રહેલા કુંડમાં સ્નાન કરવા ગયાં પણ સ્નાન કરતી વખતે માતા પાર્વતીના કાનનું આભૂષણ કુંડમાં પડી ગયું, જેમાં અતિકીમતી કહેવાય એવો મણિ જડેલો હતો. પાર્વતીમાએ ભગવાનને વાત કરી અને ભગવાન શિવે ઘાટ પર એ શોધવાનું શરૂ કર્યું, પણ ક્યાંય મળે નહીં. ભગવાન પણ હવે ગભરાયા. તેમણે જોયું કે બહુ દૂર એક વ્યક્તિનો અંતિમ સંસ્કાર ઘાટ પર થતો હતો. એ મૃતદેહ પાસે કોઈ નહોતું એટલે ભગવાન શિવ એ મૃતદેહ પાસે ગયા અને મૃતદેહના કાનમાં જઈને તેમણે પૂછ્યું કે તમે ક્યાંય પાર્વતીજીનું કુંડળ જોયું છે. કહેવાય છે કે પૂછવાની આ પ્રક્રિયા કરીને ભગવાન શિવે એ જીવને તારક મંત્ર આપી દીધો અને પેલાનો જીવ મોક્ષમાં ગયો.
જતી વખતે તેણે જવાબ ચોક્કસ આપ્યો હતો અને કુંડળ એ જ જગ્યાએથી મળી આવ્યું હતું, પણ એ દિવસ અને આજની ઘડી, એવી લોકવાયકા ઊભી થઈ છે કે મણિકર્ણિકા ઘાટ પર જેના અંતિમ સંસ્કાર થાય એને મહાદેવ તારક મંત્ર દ્વારા મોક્ષ આપે છે.
કેટલીક કથાઓમાં એવું પણ કહેવાયું છે કે માતા પાર્વતીએ જાણીજોઈને પોતાનું ઘરેણું જે-તે જગ્યાએ સંતાડી દીધું હતું, જેથી ભગવાન શિવ એ શોધવામાં વ્યસ્ત રહે અને મા પાર્વતીએ કાશી છોડીને ક્યાંય બીજે જવું ન પડે. તેમને કાશી એટલું પ્રિય હતું કે તેઓ સદાકાળ ત્યાં જ નિવાસ કરવા માગતાં હતાં પણ મહાદેવ તો કૈલાશવાસી એટલે થોડા સમયે તેમને કૈલાશ યાદ આવે. કાશી રોકાવા મળે એવા ભાવથી ખુદ મા પાર્વતીએ જ મણિકર્ણિકા સંતાડ્યું હતું.
મણિકર્ણિકા ઘાટ પર ચક્રપુષ્કરણી કુંડ પણ છે જેને માટે એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુએ પોતાના ચક્રથી એ કુંડ બનાવ્યો હતો અને એ કુંડ ખાસ મહાદેવના સ્નાન માટે હતો. મા પાર્વતી પણ આ જ કુંડમાં સ્નાન કરતાં હતાં. આજે પણ અગ્નિસંસ્કાર પહેલાં આ કુંડના જળનો સ્પર્શ મૃતદેહને કરાવવામાં આવે છે. તમારી જાણ ખાતર કે આ કુંડને કાશીનું સૌથી પ્રાચીન સ્થળ માનવામાં આવે છે.
મણિકર્ણિકા ઘાટ પર રત્નેશ્વર મહાદેવનું મંદિર છે જે ગંગા તરફ ૯ ડિગ્રી ઝૂકેલું છે. કહેવાય છે કે આ રત્નેશ્વર મહાદેવ મંદિરનો ટેકો લઈને મહાદેવ એક વખત ઊભા રહ્યા એટલે એ એક દિશામાં ઝૂકી ગયું છે. કહેવાય છે કે આ મંદિરને કારણે જ આ ઘાટ પર પ્રકટાવેલી ચિતાનો અગ્નિ ક્યારેય ઓલવાતો નથી, એ ૨૪ કલાક પ્રજ્વલિત રહે છે.

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સથી બનાવેલી તસવીરો ફરતી થયા પછી એને સત્ય માનીને સમાજવાદી પાર્ટીના કાર્યકરોએ વિરોધ કર્યો હતો.
બીજી પણ કથાઓ છે
મણિકર્ણિકા ઘાટ માટે આ સિવાયની પણ કથા છે.
જ્યારે સતીએ દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં દેહત્યાગ કર્યો ત્યારે ભગવાન શિવ તેમના પાર્થિવ દેહને લઈને બ્રહ્માંડમાં ભ્રમણ કરવા લાગ્યા. ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્રથી સતીના દેહના ટુકડા કર્યા. માનવામાં આવે છે કે અહીં માતા સતીના કાનનું આભૂષણ (મણિ જડેલું કર્ણિકા) પડ્યું જેને લીધે આ સ્થાનનું નામ મણિકર્ણિકા પડ્યું. આ જ કારણસર મણિકર્ણિકા એક શક્તિપીઠ પણ છે.
હજી પણ શાસ્ત્રોમાં એક વાર્તા છે.
ભગવાન વિષ્ણુએ હજારો વર્ષો સુધી અહીં તપસ્યા કરી. તેમના તપથી પ્રસન્ન થઈને શિવ જ્યારે અહીં આવ્યા ત્યારે વિષ્ણુના કાનનું કુંડળ એટલે કે મણિકર્ણિકા અહીંના કુંડમાં પડી ગયું. આ કુંડ ખુદ વિષ્ણુ ભગવાને પોતાના સુદર્શનથી બનાવ્યું હતું. વિષ્ણુ ભગવાનની ભક્તિ અને તપ જોઈને આવેલા શિવજીને આ જગ્યા એવી ગમી ગઈ કે તેમણે વિષ્ણુને વરદાન આપ્યું કે આ સ્થાન મુક્તિનું ધામ બનશે અને તમને સૌકોઈ યાદ કરશે.


