કેમ કરિશ્માની નિશાના રોલ માટે પસંદગી ન થઈ અને કઈ રીતે માધુરીને ‘હમ આપકે હૈં કૌન’માં લેવામાં આવી હતી
કરિશ્મા કપૂર, માધુરી દીક્ષિત
ફિલ્મમેકર સૂરજ બડજાત્યાની ફિલ્મ ‘હમ આપકે હૈં કૌન’ ભારતીય સિનેમાના ઇતિહાસમાં એક માઇલસ્ટોન ફિલ્મ ગણાય છે. આ ફિલ્મ બૉલીવુડની પહેલી ૧૦૦ કરોડ રૂપિયાની કમાણી કરનારી ફિલ્મ હતી અને વિદેશમાં પણ સફળ રહી હતી. આ ફિલ્મમાં નિશા અને પ્રેમના પાત્રમાં માધુરી દીક્ષિત અને સલમાન ખાનને ખૂબ લોકપ્રિયતા મળી હતી. આજે પણ આ જોડી હિટ છે અને ફિલ્મનું ફૅન-ફૉલોઇંગ બહુ મોટું છે. જોકે હાલમાં એક ખાસ વાત જાણવા મળી છે કે નિશાના રોલ માટે માધુરી પહેલી પસંદ નહોતી અને સૂરજ બડજાત્યા આ રોલ માટે કરિશ્મા કપૂરને લેવા માગતા હતા.
સૂરજ બડજાત્યાએ આ ખુલાસો રિયલિટી શો ‘ઇન્ડિયન આઇડલ 15’ દરમ્યાન કર્યો હતો. સૂરજ બડજાત્યાએ આ ખુલાસો કર્યો ત્યારે ત્યાં કરિશ્મા કપૂર પણ હાજર હતી. આ ખુલાસો કરીને સૂરજ બડજાત્યાએ જણાવ્યું કે કેમ કરિશ્માની નિશાના રોલ માટે પસંદગી ન થઈ અને કઈ રીતે માધુરીને ‘હમ આપકે હૈં કૌન’માં લેવામાં આવી હતી.
રજ બડજાત્યાએ કહ્યું હતું કે ‘કરિશ્માએ મને ‘પ્રેમ કૈદી’ બતાવવા માટે ફોન કર્યો. આ તેની પહેલી ફિલ્મ હતી. અમે ગયા અને તેની ફિલ્મ જોઈ. હું પાછો આવ્યો ત્યારે પપ્પાને કહ્યું કે મેં કરિશ્માની આ ફિલ્મ જોઈ, એમાં બહુ એનર્જી છે, આપણે ‘હમ આપકે હૈં કૌન’ લખી રહ્યા છીએ તો કરિશ્માને બોલાવીએ. મારી વાત સાંભળીને મારા પિતાજીએ મને એક ખૂબ જ સાચી વાત કહી. પપ્પાએ કહ્યું કે હજી કરિશ્મા નાની છે. મારી ફિલ્મમાં બતાવવાનું હતું કે નિશા તેના જીજાજી અને બેબીને સ્વીકારવા માટે પોતાના પ્રેમની કુરબાની આપવા તૈયાર છે. કરિશ્મા જેવી એક નાની છોકરી પર આ ખૂબ જ વધારે ભાર કહેવાય. આ ફિલ્મ માટે એવી કોઈ ઍક્ટ્રેસ જોઈએ જે આ જવાબદારી પોતાના ખભે લઈ શકે.’
ADVERTISEMENT
સૂરજ બડજાત્યાનો આ ખુલાસો સાંભળીને કરિશ્મા પણ આશ્ચર્યચકિત રહી ગઈ અને કહ્યું કે જો ઉંમરમાં મોટી હોત તો તે જ ‘હમ આપકે હૈં કૌન’માં હોત.

