મધુર ભંડારકરની ફિલ્મનું શૂટિંગ ઑગસ્ટમાં શરૂ થશે અને એેને આવતા વર્ષે થિયેટરમાં રિલીઝ થશે.
ફાતિમા સના શેખ
નૅશનલ અવૉર્ડ વિજેતા ફિલ્મમેકર મધુર ભંડારકરની આગામી ફિલ્મ ‘વાઇવ્સ ઑફ બૉલીવુડ’માં ફાતિમા સના શેખ બૉલીવુડ સ્ટારની પત્નીનો રોલ ભજવશે. આ ફિલ્મના લીડ કલાકારોની પસંદગીની પ્રક્રિયા ચાલી રહી છે અને ફાતિમા એવી પહેલી ઍક્ટ્રેસ છે જેને કન્ફર્મ કરવામાં આવી છે. આ ફિલ્મનું શૂટિંગ ઑગસ્ટમાં શરૂ થશે અને એ આવતા વર્ષે થિયેટરમાં રિલીઝ થશે.
એક ઇન્ટરવ્યુમાં ‘વાઇવ્સ ઑફ બૉલીવુડ’ વિશે મધુર ભંડારકરે જણાવ્યું હતું કે ‘બૉલીવુડ સ્ટાર્સની પત્નીઓના જીવન વિશે ઘણીબધી અટકળો ને ધારણાઓ છે. ફિલ્મનો ઉદ્દેશ વાસ્તવિક કિસ્સાઓ આધારિત અજાણી વાર્તાઓ મોટા પડદે લઈ જવાનો છે.’
મધુર ભંડારકરે અગાઉ જર્નલિઝમની દુનિયામાં ડૂબકી મારતી ‘પેજ 3’, બૉલીવુડની અભિનેત્રીઓનું જીવન દર્શાવતી ‘હિરોઇન’ અને ફૅશન-વર્લ્ડની કાળી બાજુ દર્શાવતી ‘ફૅશન’ ફિલ્મ બનાવી હતી. ઉપરાંત તેમની ‘ચાંદની બાર’, ‘ટ્રાફિક સિગ્નલ’ અને ‘જેલ’ જેવી ફિલ્મો નોંધનીય રહી છે. રિપોર્ટ મુજબ ‘વાઇવ્સ ઑફ બૉલીવુડ’માં મધુર ભંડારકર બૉલીવુડ સ્ટાર્સની પત્નીઓના જીવન સાથે જોડાયેલાં અજાણ્યાં પાસાંઓ જેવાં કે સ્કૅન્ડલ્સ, ગૉસિપ, પાવર-સ્ટ્રગલ અને લક્ઝરી લાઇફ દર્શાવશે.

