Kho Gaye Hum Kahan Trailer: અનન્યા પાંડે, સિદ્ધાંત ચતુર્વેદી અને આદર્શ ગૌરવની નવી ફિલ્મ `ખો ગયે હમ કહાં`નું બહુપ્રતિક્ષિત ટ્રેલર સોશિયલ મીડિયા પર રિલીઝ થઈ ગયું છે
ટ્રેલરમાંથી લેવાયેલ સ્ક્રીનગ્રેબ
ફિલ્મ નિર્માતા ઝોયા અખ્તર (Zoya Akhtar) ફરી એકવાર યુવા પેઢીના હૃદયને સ્પર્શી જાય તેવી ફિલ્મ લઈને આવ્યા છે. હા... અનન્યા પાંડે (Ananya Panday), સિદ્ધાંત ચતુર્વેદી (Siddhant Chaturvedi) અને આદર્શ ગૌરવની નવી ફિલ્મ `ખો ગયે હમ કહાં` (Kho Gaye Hum Kahan Trailer)નું બહુપ્રતિક્ષિત ટ્રેલર સોશિયલ મીડિયા પર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મમાં આપણે ત્રણ મિત્રોની વાર્તા જોઈ શકીએ છીએ, જેઓ ડિજિટલ વિશ્વની જટિલતામાં ફસાયેલા છે. ‘ખો ગયે હમ કહાં’ના ટ્રેલરમાં રોમાન્સની સાથે-સાથે ઘણો ઈમોશનલ ડ્રામા પણ જોવા મળી રહ્યો છે.
અનેક લાગણીઓનું મિશ્રણ
ADVERTISEMENT
`ખો ગયે હમ કહાં`ના ટ્રેલર વીડિયોના પહેલા જ સીનમાં અનન્યા પાંડે ફોટો ક્લિક કરતી જોવા મળે છે અને બેકગ્રાઉન્ડમાં એક અવાજ આવે છે, “આપણે ફક્ત સોશિયલ મીડિયા પર શૉઑફ જ કરીએ છીએ… જો તમે કોઈની પ્રોફાઇલ જુઓ છો, તો તે ફક્ત તેમના જીવનની શ્રેષ્ઠ ક્ષણો જ દર્શાવે છે.” ત્યારબાદ સિદ્ધાંત ચતુર્વેદી સોશિયલ મીડિયા પર સ્ટેન્ડઅપમાં વાત કરતા જોવા મળે છે. આ પછી વાર્તામાં વળાંક આવે છે અને લોકો સોશિયલ મીડિયા પર તેમની ખુશહાલ જીવનથી વાસ્તવિક જીવનમાં ફેરવાય છે, જ્યાં અનેક લાગણીઓનું મિશ્રણ જોવા મળે છે.
‘ખો ગયે હમ કહાં’ ક્યારે રિલીઝ થશે?
`ખો ગયે હમ કહાં`નું નિર્દેશન અર્જુન વૈરાન સિંહ કરી રહ્યા છે. તો ઝોયા અખ્તર, ફરહાન અખ્તર અને રિતેશ સિધવાનીએ ફિલ્મના નિર્માણની જવાબદારી લીધી છે. ‘ખો ગયે હમ કહાં’ની વાર્તા રીમા કાગતીએ ઝોયા અખ્તર સાથે લખી છે. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર 26 ડિસેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે. કલ્કિ કોચલીન પણ અનન્યા પાંડે, સિદ્ધાંત ચતુર્વેદી, આદર્શ ગૌરવ સાથે ફિલ્મ `ખો ગયે હમ કહાં`માં જોવા મળશે.
મીડિયાનો ઊધડો લીધો ઝોયા અખ્તરે
ફિલ્મમેકર ઝોયા અખ્તરે મીડિયાની જ ઝાટકણી કાઢી છે. એનું કારણ છે તેની આગામી ફિલ્મ ‘ધ આર્ચીઝ’. વાત એમ છે કે તેણે મીડિયાની એમ કહીને નિંદા કરી છે કે આ ફિલ્મના પોસ્ટરમાં સાત યંગસ્ટર્સ છે; પરંતુ મીડિયા માત્ર શાહરુખ ખાનની દીકરી સુહાના ખાન, શ્રીદેવીની દીકરી ખુશી કપૂર અને શ્વેતા બચ્ચન નંદાના દીકરા અગસ્ત્ય નંદાની જ ચર્ચા કરે છે. આ ફિલ્મ સાત ડિસેમ્બરે વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે.
ઝોયાનું કહેવું છે કે માત્ર સ્ટાર કિડ્સની જ ચર્ચા કેમ કરવામાં આવે છે. એ વિશે ઝોયાએ કહ્યું કે ‘જે એક બાબત તરફ મારું ધ્યાન ગયું એ એ છે કે ‘ધ આર્ચીઝ’ના પોસ્ટર પર સાત કિડ્સ છે. નેટફ્લિક્સ અને અમારા પ્રોડક્શન ટાઇગર બેબી પ્રોડક્શન્સે પોસ્ટર પર એ સાતેય બાળકોને દેખાડ્યાં છે, પરંતુ મીડિયા માત્ર ત્રણ યુવાઓની જ ચર્ચા કરે છે. બાદમાં અમારા તરફ નેપોટિઝમને લઈને આંગળી ચીંધશે. ખરેખર તો તમે લોકો જ છો જે અન્ય ચાર લોકોની તરફ ધ્યાન નથી આપતા. એ ખરેખર દુ:ખદ બાબત છે. અમે સાતેય બાળકોને પોસ્ટર પર દેખાડ્યાં છે, પરંતુ તમે એ ચાર તરફ ધ્યાન નથી આપતા. ઘણા લોકો મારી પાસે આવીને કહે છે કે તમે ત્રણ સ્ટાર કિડ્સને કાસ્ટ કર્યાં છે. તો તેમને હું જવાબ આપું છું કે ટ્રેલરમાં સાત બાળકો છે. તમને જાણ છે એ ચાર બાળકોનાં નામ શું છે? તેમના તરફ જોવાની તમે તસ્દી લીધી? એ ચાર બાળકોની તરફ ધ્યાન નથી અપાયું એથી અમને પણ દુ:ખ થાય છે.’