બૉલીવુડમાં લાંબો સમય ટકી રહેવા માટે પૈસા કમાવા જેટલું જ જરૂરી આ પૈસાનું યોગ્ય રીતે મૅનેજમેન્ટ કરવાનું હોય છે. બૉલીવુડમાં પૈસાના વહીવટના મામલે આમિર ખાન અને રણબીર કપૂર કરતાં કૅટરિના કૈફ વધારે સ્માર્ટ છે.
રણબીર કપૂર, આમિર ખાન અને કૈટરીના કૈફ ફાઇલ તસવીર
બૉલીવુડમાં લાંબો સમય ટકી રહેવા માટે પૈસા કમાવા જેટલું જ જરૂરી આ પૈસાનું યોગ્ય રીતે મૅનેજમેન્ટ કરવાનું હોય છે. હાલમાં સેલિબ્રિટી ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ બિમલ પારેખે જણાવ્યું છે કે સ્ટાર્સની વાત કરીએ તો બૉલીવુડમાં પૈસાના વહીવટના મામલે આમિર ખાન અને રણબીર કપૂર કરતાં કૅટરિના કૈફ વધારે સ્માર્ટ છે. હાલમાં એક ઇન્ટરવ્યુમાં લાંબા સમયથી આમિર ખાનનું ફાઇનૅન્સ-મૅનેજમેન્ટ સંભાળી રહેલા બિમલ પારેખે જણાવ્યું હતું કે ‘બૉલીવુડના બે મોટા સ્ટાર્સ ગણાતા આમિર અને રણબીર ફાઇનૅન્સ-મૅનેજમેન્ટની બાબતમાં નબળા છે અને તેઓ પૈસાની બાબતો નથી સમજતા. મારા સ્ટાર્સ સાથેના અનુભવોની વાત કરું તો આ મામલે કૅટરિના કૈફ સૌથી વધારે સ્માર્ટ છે. તે નાણાકીય બાબતોમાં રસ લે છે. આમિર અને રણબીરને આવી બાબતોની ખાસ ચિંતા નથી.’
આમિરને આપી હતી પ્રૉફિટ-શૅરિંગની સલાહ
બિમલ પારેખ માત્ર રણબીરના નાણાકીય સલાહકાર જ નથી, પરંતુ તેની સૉકર ટીમના સહ-માલિક પણ છે. પોતાનો આમિર સાથેનો અનુભવ જણાવતાં બિમલ પારેખે જણાવ્યું હતું કે ‘મેં આમિરને પ્રૉફિટ-શૅરિંગ ફૉર્મ્યુલાની સલાહ આપી હતી. અમે આ ફૉર્મ્યુલા ત્યારે અમલમાં મૂકી જ્યારે બધા માત્ર ફી લેતા હતા. એક વખત વાતચીતમાં આમિરે મને કૅઝ્યુઅલી જણાવ્યું હતું કે તે ઓછી ફી લે છે, કારણ કે તે નથી ઇચ્છતો કે તેના નિર્માતાઓને નુકસાન થાય. તેની વાત સાંભળીને મને નવાઈ લાગી. મેં તેને કહ્યું કે આનો રસ્તો ઓછી ફી નથી, પણ પ્રૉફિટ-શૅરિંગનો વિકલ્પ છે. આના કારણે આમિરને ‘લાલ સિંહ ચઢ્ઢા’માં ઓછા પૈસા મળ્યા, પણ ‘દંગલ’માં તેણે સારી એવી કમાણી કરી.’


