કરીના કપૂરે ગઈ કાલે WAVES 2025માં આ કિસ્સો જણાવ્યો. જ્યારે સ્ટીવન સ્પીલબર્ગ કરીના કપૂરને રેસ્ટોરાંમાં જોઈને ચોંકી ગયા અને પૂછ્યું...
ગઈ કાલે WAVES 2025માં કરીના કપૂર
મુંબઈના જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં ગુરુવારે ખુલ્લા મુકાયેલી વર્લ્ડ ઑડિયો વિઝ્યુઅલ ઍન્ડ એન્ટરટેઇનમેન્ટ સમિટ (WAVES) 2025માં ગઈ કાલે કરીના કપૂરે સાઉથ ઇન્ડિયાની ફિલ્મોના સુપરસ્ટાર વિજય દેવરાકોંડા સાથે ‘સિનેમા : ધ સૉફ્ટ પાવર’ સત્રમાં ભાગ લીધો હતો, જેનું સંચાલન કરણ જોહરે કર્યું હતું. વાતચીત દરમ્યાન કરણ જોહરે કરીના કપૂરને પૂછ્યું હતું કે તેણે ક્યારેય હૉલીવુડનો પીછો કેમ નથી કર્યો? એના જવાબમાં કરીનાએ કહ્યું હતું કે ‘પીછો કરવો મારા વ્યક્તિત્વનો ભાગ નથી, પણ મને ખબર નથી કે ભવિષ્યમાં શું થશે. સમય બદલાઈ રહ્યો છે. કોણ જાણે, હિન્દી-અંગ્રેજી ફિલ્મ બનશે. સ્ટીવન સ્પીલબર્ગ પણ આપણી હિન્દી ફિલ્મો જોઈ રહ્યા છે એટલે આપણે એ વિશે ક્યારેય જાણતા નથી.’
આ જ વાતચીત વખતે કરીના કપૂરે એક કિસ્સો શૅર કર્યો જ્યારે હૉલીવુડના વિખ્યાત ડિરેક્ટર સ્ટીવન સ્પીલબર્ગે તેને ઓળખીને તેની પ્રશંસા કરી હતી. આ મુદ્દે તેણે કહ્યું હતું કે ‘હું એક રેસ્ટોરાંમાં હતી. હું ક્યાંક મુસાફરી કરી રહી હતી. સ્ટીવન સ્પીલબર્ગ એ જ રેસ્ટોરાંમાં જમતા હતા. આ ઘણાં વર્ષો પહેલાંની વાત છે જ્યારે ‘૩ ઇડિયટ્સ’ રિલીઝ થઈ હતી. એ સમયે સ્ટીવન સ્પીલબર્ગ ખરેખર મારી પાસે આવ્યા અને મને કહ્યું કે શું તું એ જ છોકરી છે જે ત્રણ સ્ટુડન્ટ્સ વિશેની ખૂબ જ પ્રખ્યાત ભારતીય ફિલ્મમાં હતી? મેં કહ્યું કે હા, તે હું છું. તેમણે કહ્યું કે ઓહ માય ગૉડ, મને એ ફિલ્મ ખૂબ ગમતી હતી.’
આમ જણાવીને કરીનાએ ઉમેર્યું હતું કે ‘તે મને જુએ એ માટે મારે અંગ્રેજી ફિલ્મમાં ઍક્ટિંગ કરવાની જરૂર નહોતી. તેમણે ‘3 ઇડિયટ્સ’ જોઈ હતી. એ આપણા માટે ગૌરવની એક ક્ષણ છે.’


