કરણ જોહરે જણાવી અંદરની વાત
રણબીર કપૂર અને રણવીર સિંહ સાથે કરણ જોહર
બૉલીવુડના ટોચના કલાકારોનું લિસ્ટ બનાવવામાં આવે તો એમાં રણબીર કપૂર અને રણવીર સિંહ બન્નેનો સમાવેશ કરવો પડે. આ બન્ને શાનદાર ઍક્ટર્સ છે અને આ બન્ને વચ્ચેની કડી છે દીપિકા પાદુકોણ. રણબીરની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ દીપિકા આજે રણવીરની પત્ની છે. સોશ્યલ મીડિયા પર લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે કે કૅમેરાની સામે ભલે રણબીર અને રણવીર એકબીજા સાથે મિત્રતાપૂર્ણ વર્તન કરે, પરંતુ વાસ્તવમાં બન્નેના સંબંધોમાં કડવાશ છે. એવું પણ કહેવાયું છે કે બન્ને વચ્ચે અહંકારની લડાઈ છે. જોકે હાલમાં ફિલ્મમેકર કરણ જોહરે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું છે કે રણબીર અને રણવીર વચ્ચે રિયલ લાઇફમાં કેવા સંબંધો છે.
કરણ જોહર હકીકતમાં રણબીર કપૂર અને રણવીર સિંહ બન્નેની બહુ નજીક છે અને એટલે તેમની વચ્ચેના સંબંધોને સારી રીતે સમજે છે. કરણ જોહરે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે ‘તેઓ બન્ને એકબીજાને ખૂબ સારી રીતે સમજે છે. તેમનામાં કોઈ અહંકાર નથી. વાસ્તવમાં રણબીર અને રણવીર વચ્ચે સારી અને પાકી દોસ્તી છે. બન્ને એકબીજાના સંપર્કમાં રહે છે એટલું જ નહીં, એકબીજાની ફિલ્મો વિશે ફીડબૅક પણ આપે છે. મને યાદ છે કે ‘અય દિલ હૈ મુશ્કિલ’ જોયા પછી રણવીર મારા ઘરે આવ્યો હતો અને તેણે મને એના વિશે પોતાનો અભિપ્રાય જણાવ્યો હતો. આ અદ્ભુત હતું. આ પછી રણબીરે ‘રૉકી ઔર રાની કી પ્રેમ કહાની’ પર ફીડબૅક આપ્યો. હું નિયમિત રીતે રણબીર અને રણવીર સાથે સમય પસાર કરું છું, શૉપિંગ કરું છું અને લાગણીઓ શૅર કરું છું.’

