હૉરર ડ્રામા-ફિલ્મ બ્લેસ્ડ બી ધી ઇવિલમાં જોવા મળશે એવા રિપોર્ટ છે. રિપોર્ટ પ્રમાણે કંગના ટૂંક સમયમાં હૉલીવુડની હૉરર ડ્રામા-ફિલ્મ ‘બ્લેસ્ડ બી ધી ઇવિલ’માં જોવા મળશે. આ એક હૉરર ફિલ્મ હશે જેમાં કંગના ચુડેલનો રોલ કરી રહી છે.
કંગના રનૌત
બૉલીવુડમાં છેલ્લે ‘ઇમર્જન્સી’માં જોવા મળેલી કંગના રનૌત હવે હૉલીવુડની ફિલ્મમાં જોવા મળશે. રિપોર્ટ પ્રમાણે કંગના ટૂંક સમયમાં હૉલીવુડની હૉરર ડ્રામા-ફિલ્મ ‘બ્લેસ્ડ બી ધી ઇવિલ’માં જોવા મળશે. આ એક હૉરર ફિલ્મ હશે જેમાં કંગના ચુડેલનો રોલ કરી રહી છે.
આ ફિલ્મમાં સિલ્વેસ્ટર સ્ટેલનની પુત્રી સ્કારલેટ રોઝ સ્ટેલન અને ટાઇલર પોસી નામનો ઍક્ટર પણ જોવા મળશે. મળતી માહિતી પ્રમાણે કંગનાએ આ ફિલ્મ માટે લાયન્સ મૂવીઝ સાથે હાથ મિલાવ્યા છે. આ ફિલ્મનું ડિરેક્શન અનુરાગ રુદ્ર કરી રહ્યો છે. અનુરાગ આ પહેલાં ‘ન્યુ મી’ અને ‘ટેલિંગ પૉન્ડ’ જેવી ફિલ્મો બનાવી ચૂક્યો છે. આ ફિલ્મ વિશે વાત કરતાં અનુરાગે જણાવ્યું કે ‘મારો જન્મ અને ઉછેર ગ્રામીણ ભારતમાં થયો છે અને એના કારણે મેં બાળપણમાં એવી લોકકથાઓ સાંભળી છે જે મારા મનમાં અને હૃદયમાં અંકિત થઈ ગઈ છે. આ લોકકથા એટલી ખાસ હતી કે મને ખરેખર તમામ વાર્તાઓમાં વિશ્વાસ હતો અને હું એને આંતરરાષ્ટ્રીય સ્તરે રજૂ કરવા ઇચ્છું છું. મારી આ ફિલ્મમાં આવી જ એક લોકકથા છે.’
ફિલ્મ ‘બ્લેસ્ડ બી ધી ઇવિલ’નું શૂટિંગ નજીકના ભવિષ્યમાં ન્યુ યૉર્કમાં શરૂ થશે અને એનું સંપૂર્ણ શૂટિંગ અમેરિકામાં કરવામાં આવશે. હકીકતમાં હાલમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે વિદેશી ફિલ્મો પર ૧૦૦ ટકા ટૅક્સ લાદવાનો નવો નિયમ બનાવ્યો છે અને એના કારણે કોઈ સમસ્યા ન સર્જાય એ માટે ફિલ્મનું સંપૂર્ણ શૂટિંગ અમેરિકામાં જ કરવામાં આવશે.
શું છે વાર્તા?
ફિલ્મ ‘બ્લેસ્ડ બી ધી ઇવિલ’માં એક એવા ખ્રિસ્તી કપલની વાર્તા છે જે એકબીજાથી ખૂબ જ ખુશ છે અને માતા-પિતા બનવા માટે તૈયાર છે. જોકે અચાનક સ્ત્રીનો ગર્ભપાત થઈ જાય છે. આ દુખદ ઘટના પછી બન્ને એક જૂનું ફાર્મહાઉસ ખરીદે છે. આ ફાર્મહાઉસનો ભૂતકાળ ખૂબ જ ડરામણો અને રહસ્યમય છે. અહીંથી તેમના જીવનમાં સમસ્યાઓની શરૂઆત થાય છે.


