કહ્યું કે રાજકારણ વયસ્ક મહિલાઓને ફિલ્મો કરતાં વધુ સરળતાથી સ્વીકારે છે
કંગના રનૌત
ઍક્ટ્રેસમાંથી રાજકારણી બનેલી કંગના રનૌતે તાજેતરમાં વધતી વય અને એને વિવિધ વ્યવસાયોમાં કેવી રીતે જોવામાં આવે છે એ વિશે પોતાના વિચારો શૅર કર્યા. કંગનાએ સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં પોતાનો ક્લોઝ-અપ સેલ્ફી પોસ્ટ કરીને પોતાના સફેદ વાળ હોંશે-હોંશે દર્શાવ્યા હતા અને કહ્યું હતું કે તે ક્યારેય વૃદ્ધ થવાથી ડરતી નથી. જોકે તેણે કહ્યું કે ફિલ્મઉદ્યોગમાં ઘણી વાર મહિલાઓ પર યંગ લુક જાળવી રાખવાનું એક દબાણ હોય છે, કારણ કે ફિલ્મોમાં વધતી વયને છુપાવવામાં આવે છે.
પોતાની પોસ્ટમાં કંગનાએ લખ્યું છે : ‘મારા આત્માએ ક્યારેય વૃદ્ધ થવાનો ડર નથી અનુભવ્યો, પરંતુ જ્યારે મારા ફિલ્મના ક્રૂએ મારા સફેદ વાળ જોયા તો તેઓ ગભરાઈ ગયા અને એને છુપાવવા માટે મસ્કરા-કલર સ્પ્રેનો ઉપયોગ કર્યો.’
ADVERTISEMENT
કંગનાએ કહ્યું કે ‘હવે જ્યારે તે રાજકારણમાં છે ત્યારે તેને વધુ શાંતિનો અનુભવ થાય છે, કારણ કે તેનો દેખાવ તેની સાથેના વ્યવહાર પર અસર નથી કરતો. હું એવી જગ્યાએ હોવાનો આનંદ અનુભવું છું જ્યાં મારી વધતી વય મારી પાસેથી કંઈ છીનવી લેતી નથી. વયસ્ક થવાનો પણ એક આનંદ છે. શું તમને લાગે છે કે રાજકારણ વયસ્ક મહિલાઓને ફિલ્મો કરતાં વધુ સરળતાથી સ્વીકારે છે? મને ચોક્કસપણે એવું લાગે છે.’
કંગના હિમાચલ પ્રદેશના મંડી મતવિસ્તારમાંથી BJPની સંસદસભ્ય બની છે. તે નિયમિતપણે સંસદનાં સત્રોમાં હાજરી આપે છે અને સામાજિક કાર્યોમાં પણ ભાગ લે છે.


