ચેન્નઈમાં બનેલી આ ઘટના પછી સ્ટેજ પર ધમાલ મચી ગઈ
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
પ્રખ્યાત ઍક્ટર અને મક્કલ નીધિ મય્યમ (MNM) નામના રાજકીય કક્ષના અધ્યક્ષ કમલ હાસન શનિવારે ચેન્નઈમાં પોતાની પાર્ટીની મીટિંગમાં હાજર રહ્યા હતા, પણ ત્યાં સ્ટેજ પર ડ્રામા સર્જાઈ ગયો હતો. હકીકતમાં પાર્ટીની મીટિંગ દરમ્યાન સ્ટેજ પર ચડીને એક વ્યક્તિએ કમલ હાસનને તલવાર ભેટ આપી. આ જોઈને કમલ હાસન ચોંકી ગયા અને તેમના ચહેરાના હાવભાવ બદલાઈ ગયા. શરૂઆતમાં તેમણે આ ભેટ સ્વીકારી, પરંતુ પછી તે વ્યક્તિએ તલવાર કાઢવાની માગણી કરી કે કમલ હાસન ગુસ્સે થઈ ગયા.
આ ફંક્શનમાં સ્ટેજ પર વ્યક્તિએ જ્યારે કમલ હાસનને ભેટમાં તલવાર આપી ત્યારે તેમણે એને ખુશીથી સ્વીકારી અને સ્માઇલ કર્યું. જોકે પછી તે વ્યક્તિએ ડિમાન્ડ કરી કે તેઓ તલવારને મ્યાનમાંથી બહાર કાઢીને ફોટો ક્લિક કરે. આના પર કમલ હાસને સ્પષ્ટ ઇનકાર કર્યો. આ પછી કમલ હાસનના હાવભાવ કડક થયા અને તેઓ એક વ્યક્તિ તરફ ગુસ્સાથી ઇશારો કરીને તલવાર નીચે મૂકવાનો આદેશ આપતા જોવા મળ્યા. કમલ હાસન ગુસ્સામાં હોવા છતાં તે વ્યક્તિએ તેમની સાથે હાથ મિલાવ્યો અને પોઝ આપ્યો. કમલ હાસને સ્ટેજ પર જ તે વ્યક્તિને આ માટે ઠપકો આપ્યો. બાદમાં સિક્યૉરિટી-ટીમ આવી અને તે વ્યક્તિને સ્ટેજ પરથી લઈ ગઈ.


