નિતેશ તિવારીની રામાયણ માટે તેણે શૂટિંગ શરૂ કરી દીધું. આ ફિલ્મમાં રણબીર, સાઈ, યશ, સની અને કાજલ ઉપરાંત રવિ દુબે (લક્ષ્મણ) અને લારા દત્તા (કૈકેયી) પણ છે.
કાજલ અગરવાલ અને યશ
નિતેશ તિવારીની ‘રામાયણ’ માટે દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન શ્રી રામની ભૂમિકામાં, સાઈ પલ્લવી સીતાની ભૂમિકામાં, યશ રાવણની ભૂમિકામાં અને સની દેઓલ હનુમાનની ભૂમિકામાં છે. આ ફિલ્મની સ્ટારકાસ્ટ દમદાર છે અને હવે ખબર પડી છે કે આ ફિલ્મમાં કાજલ અગરવાલને રાવણની પત્ની મંદોદરીની ભૂમિકા માટે લેવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે કાજલે ગયા અઠવાડિયે પોતાનો લુક-ટેસ્ટ કર્યો હતો અને તે યશ સામે મંદોદરીનું પાત્ર ભજવશે. કાજલે તાજેતરમાં આ ભૂમિકા માટે શૂટિંગ શરૂ કર્યું છે, કારણ કે નિર્માતાઓ હાલમાં લંકાના ભાગનું શૂટિંગ કરી રહ્યા છે.
થોડા સમય પહેલાં સમાચાર હતા કે આ ફિલ્મમાં મંદોદરીના રોલમાં સાક્ષી તનવરને સાઇન કરવામાં આવી છે. સાક્ષીએ નિતેશ તિવારી સાથે ‘દંગલ’માં કામ કર્યું હતું અને તેની ઍક્ટિંગથી પ્રભાવિત થઈને નિતેશ પહેલાં મંદોદરીના રોલમાં તેને લેવાનો હતો પણ હવે આ રોલ માટે કાજલને સાઇન કરવામાં આવી છે. નિતેશ તિવારીની ‘રામાયણ’ બે ભાગમાં રિલીઝ થશે. પ્રથમ ભાગ ૨૦૨૬ની દિવાળીમાં મોટા પડદે આવશે અને બીજો ભાગ ૨૦૨૭ની દિવાળીમાં રિલીઝ કરવાની તૈયારી છે. આ ફિલ્મમાં રણબીર, સાઈ, યશ, સની અને કાજલ ઉપરાંત રવિ દુબે (લક્ષ્મણ) અને લારા દત્તા (કૈકેયી) પણ છે.


