જૉન ગયા ગુરુવારે સવારે મુંબઈ ઍરપોર્ટ પર જોવા મળ્યો હતો ત્યારનો તેનો વિડિયો હવે વાઇરલ થયો છે
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
જૉન એબ્રાહમે હાલમાં તેના વર્તનથી ફૅન્સનાં દિલ જીતી લીધાં હતાં. જૉન ગયા ગુરુવારે સવારે મુંબઈ ઍરપોર્ટ પર જોવા મળ્યો હતો ત્યારનો તેનો વિડિયો હવે વાઇરલ થયો છે. આ વિડિયોમાં જૉન અન્ય ક્રૂ-મેમ્બર્સ સાથે ઍરપોર્ટના બહારના ગેટ તરફ જતો જોવા મળ્યો હતો. એ સમયે એક ઉત્સાહી ફૅને જૉનને ગુલાબનો બુકે ભેટ આપ્યો હતો જે તેણે હસીને સ્વીકાર્યો હતો. એ પછી તેણે આગળ જઈ ફૅનની પરમિશન લઈને એ બુકે એક ઍરપોર્ટની એક સ્ટાફ-મેમ્બરને ભેટ આપ્યો હતો. મહિલા આ ભેટથી આશ્ચર્યચકિત થઈ ગઈ હતી અને તેણે જૉનનો આભાર માન્યો હતો. જૉનની ફૅન પ્રત્યેની લાગણી તેમ જ સમજદારી જોઈને તેના ફૅન્સ દિલથી ખુશ થયા હતા.


