ઍક્ટરે ખુલાસો કર્યો કે રાવણની તારીખો સાથે તેનું શેડ્યુલ સેટ ન થતું હોવાના કારણે તેને આ નિર્ણય લેવો પડ્યો હતો
જયદીપ અહલાવત
અનેક ફિલ્મો અને વેબ-સિરીઝમાં પોતાની આગવી ઓળખ બનાવનારા જયદીપ અહલાવતનો ‘રામાયણ’માં રાવણના ભાઈ વિભીષણના રોલ માટે સંપર્ક કરવામાં આવ્યો હતો. જોકે તેણે આ રોલ કરવાની ના પાડી દીધી હતી. જયદીપે ફિલ્મમાં વિભીષણનો રોલ નકાર્યા બાદ ઍક્ટર હરીશ ઉત્થમનને આ રોલ માટે સાઇન કરવામાં આવ્યો છે.
હવે જયદીપે વિભીષણ બનવા માટે કરેલા ઇનકારનું કારણ જણાવતાં કહ્યું હતું કે ‘મેં આ પાત્ર સ્ક્રિપ્ટ અથવા રોલને કારણે નકાર્યું નહોતું. વાસ્તવમાં સમસ્યા તારીખો ગોઠવવાની હતી. વિભીષણના અનેક મહત્ત્વનાં દૃશ્યો રાવણનું પાત્ર ભજવનારા યશ સાથે હોવાથી બન્ને કલાકારોની તારીખો એકસાથે મળવી જરૂરી હતી. હું અગાઉથી અન્ય પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત હોવાના કારણે યશની તારીખો સાથે મારી તારીખોનું શેડ્યુલ સેટ નહોતું થતું. આ પ્રોજેક્ટ માટે રાવણની તારીખો મારા કરતાં વધુ મહત્ત્વની હશે એટલે કોઈ વચગાળાનું સમાધાન ન મળ્યું અને પછી મેં આ રોલ કરવાની ના પાડી દીધી.’
